13 April, 2024 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડા ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત દોસંજ સાથે જોવા મળી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અમરજોત કૌરના રોલમાં પરિણીતિ દેખાઈ રહી છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં પરિણીતિ, દિલજિત અને ઇમ્તિયાઝ અલી પહોંચ્યાં હતાં. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ વ્યક્ત કરતાં પરિણીતિ કહે છે, ‘ઇમ્તિયાઝના માર્ગદર્શન હેઠળ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ખૂબ જ મજા આવી છે. તેણે મને સ્વાદિષ્ટ ફૂડ અને પરાઠાં ખવડાવ્યાં હતાં. મને નથી લાગતું કે આટલી મજા મને અન્ય કોઈ ફિલ્મના શૂટિંગ વખતે આવી હોય.’
સિંગર અમર સિંહ ચમકીલાને પંજાબના એલ્વિસ પ્રેસ્લી કહેવામાં આવતા હતા. એ સમયે તેઓ પંજાબના રૉકસ્ટાર ગણાતા હતા. ફિલ્મનું શૂટિંગ પણ રિયલ લોકેશન પર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માટે પરિણીતિએ વજન વધાર્યું હતું. એ વિશે પરિણીતિ કહે છે, ‘બાયોપિકમાં પોતાની જાતને જોવા જેવી મજા કોઈ નથી. મેં તરત જ પંદર કિલો વજન વધાર્યું હતું, કારણ કે મારે અમરજોત જેવા દેખાવાનું હતું. તેઓ પ્રેગ્નન્સી દરમ્યાન પણ શો કરતાં હતાં અને મારે એ પાર્ટ ભજવવાનો હતો.’ ,