25 February, 2023 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ
પરેશ રાવલે જણાવ્યું છે કે ‘હેરાફેરી 4’માં બાબુભૈયા, રાજુ અને શ્યામ વિદેશમાં હેરાફેરી કરવાના છે. આ ફિલ્મ આમ તો ‘હેરાફેરી’નો ત્રીજો પાર્ટ છે, પરંતુ એને ‘હેરાફેરી 4’ નામ આપવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે ફિલ્મની નજીકનાં સૂત્રોનું કહેવું છે કે ફિલ્મ જોયા બાદ લોકો જાણી જશે કે ‘હેરાફેરી 4’ નામ શું કામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી લીડ રોલમાં દેખાશે. ફિલ્મનો પ્રોમો હાલમાં જ શૂટ કરવામાં આવ્યો છે. ફિલ્મને લઈને પરેશ રાવલે કહ્યું કે ‘અમે ત્રણ મહિનામાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરવાના છીએ. ફિલ્મનું શૂટિંગ અબુ ધાબી, દુબઈ અને લૉસ ઍન્જલસમાં કરવામાં આવશે. આ વખતે બાબુભૈયા, રાજ અને શ્યામ ગ્લોબલી હેરાફેરી કરવાના છે.’
પોતાના કોસ્ટાર્સને મળીને ખુશી વ્યક્ત કરતાં પરેશ રાવલે કહ્યું કે ‘તેમને મળીને ઘરવાપસી જેવો અનુભવ થયો. અક્ષયકુમાર અને સુનીલ શેટ્ટી સાથે શૂટિંગ કરવાની મજા આવે છે. તેઓ ટૅલન્ટેડ ઍક્ટર્સ છે. તેઓ પોતાના કામ પ્રત્યે ઇન્સિક્યૉર નથી. એકબીજા પ્રત્યે અમને અપાર સન્માન છે. ઑફ-સ્ક્રીન અમારી મૈત્રીની કેમિસ્ટ્રી ઑન-સ્ક્રીન પણ દેખાય છે.’
કાર્તિક આ ફિલ્મમાં છે કે નહીં એ વિશે પરેશ રાવલે કહ્યું કે ‘મને શરૂઆતમાં માત્ર એટલી જ માહિતી હતી કે કાર્તિક અને અક્ષયકુમાર બન્ને આ ફિલ્મમાં કામ કરવાના છે, પરંતુ વાત આગળ વધી શકી નહીં. ખબર નહીં શું થયું.’