27 February, 2024 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેખા ભારદ્વાજ અને ગુલઝાર સાથે પંકજ ઉધાસ. આશિષ રાજે
પંકજ ઉધાસનો જન્મ ગુજરાતના જેતપુરમાં ૧૯૫૧ની ૧૭ મેએ થયો હતો. ઇન્ડિયન ગઝલ અને પ્લેબૅક સિંગર તરીકે જાણીતા પંકજ ઉધાસે તેમની કરીઅરની શરૂઆત ૧૯૮૦માં આલબમ ‘આહટ’ દ્વારા કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણાં આલબમ લૉન્ચ કર્યાં હતાં, પરંતુ મહેશ ભટ્ટની ‘નામ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું ગીત ‘ચિઠ્ઠી આઇ હૈ’ ખૂબ જ હિટ થયું હતું. ત્યાર બાદ તેમણે ઘણાં ગીતો ગાયાં હતાં. તેમણે દુનિયાભરના ઘણા દેશોમાં કૉન્સર્ટ પણ કરી હતી.
તેમના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને મમ્મીનું નામ જિતુબહેન ઉધાસ હતું. તેમના સૌથી મોટા ભાઈ મનહર ઉધાસે બૉલીવુડમાં હિન્દી પ્લેબૅક સિંગર તરીકે થોડી સક્સેસ મેળવી હતી. તેમના વચલા ભાઈ નિર્મલ ઉધાસ પણ જાણીતા સિંગર હોવાની સાથે ફૅમિલીમાં સૌથી પહેલાં સિન્ગિંગ શરૂ કરનાર હતા. પંકજ ઉધાસની ફૅમિલી રાજકોટની નજીક આવેલા એક નાનકડા ગામની હતી અને મુંબઈ ફૅમિલી શિફ્ટ થતાં પંકજ ઉધાસે સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. પંકજ ઉધાસના દાદા તેમના ગામના પહેલા ગ્રૅજ્યુએટ હતા અને એથી તેઓ ભાવનગર સ્ટેટના દીવાન એટલે કે રેવન્યુ મિનિસ્ટર બન્યા હતા. પંકજ ઉધાસના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને તેઓ વીણાવાદક અબ્દુલ કરીમ ખાન પાસેથી દિલરુબા વગાડતાં શીખ્યા હતા. પંકજ ઉધાસે તેના પિતાને દિલરુબા વગાડતાં જોયા હતા. બાળકોને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોવાથી કેશુભાઈએ તેમને રાજકોટની સંગીત ઍકૅડેમીમાં મૂક્યા હતા. પંકજ ઉધાસ પહેલાં તબલાં વગાડતાં શીખ્યા હતા, પરંતુ ત્યાર બાદ તેમણે હિન્દુસ્તાની વોકલ ક્લાસિકલ મ્યુઝિકમાં રસ દેખાડ્યો હતો અને ગુલામ કાદિર ખાન સાહબ પાસેથી તેઓ શીખ્યા હતા. ત્યાર બાદ પંકજ ઉધાસે મુંબઈ આવીને ટ્રેઇનિંગ લીધી હતી.
‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જેસે બાલ’ ગીતમાં પંકજ ઉધાસે અવાજ આપ્યો હતો. પંકજ ઉધાસને મ્યુઝિકલ પર્ફોર્મન્સમાં મદદ તેમના ભાઈ મનહર ઉધાસે કરી હતી. તેમનો પહેલો સ્ટેજ પર્ફોર્મન્સ ચાઇના-ઇન્ડિયન વૉર દરમ્યાન હતો જ્યાં તેમણે ‘અય મેરે વતન કે લોગોં’ ગાયું હતું. ઑડિયન્સમાંથી તેમને એ સમયે ૫૧ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. તેમણે અમેરિકા અને કૅનેડામાં કૉન્સર્ટ કરીને દસ મહિના પસાર કર્યા હતા. ત્યાર બાદ તેઓ નવા કૉન્ફિડન્સ સાથે ઇન્ડિયા આવ્યા હતા. મહેશ ભટ્ટની ‘નામ’ બાદ તેમણે ૧૯૯૦માં ‘ઘાયલ’ માટે લતા મંગેશકર સાથે ‘માહિયા તેરી કસમ’ ગાયું હતું. ૧૯૯૪માં આવેલું ‘મોહરા’નું ગીત ‘ના કજરે કી ધાર’ ખૂબ જ હિટ થયું હતું. આ ગીત આજે પણ એટલું જ એવરગ્રીન છે. તેમણે ‘સાજન’, ‘યે દિલ્લગી’, ‘નામ’ અને ‘ફિર તેરી કહાની યાદ આયી’માં ઑન-સ્ક્રીન પણ હાજરી આપી હતી. ૧૯૮૭માં તેમનું આલબમ ‘શગુફ્તા’ પહેલું એવું આલબમ હતું જે ભારતમાં કૉમ્પૅક્ટ ડિસ્કમાં રિલીઝ થયું હતું. ત્યાર બાદ તેમણે સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ટૅલન્ટ હન્ટ ‘આદાબ અર્ઝ હૈ’ની શરૂઆત કરી હતી.