27 June, 2023 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ જણાવ્યું છે કે તેનામાં અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીમાં એક બાબત સામાન્ય છે. બન્નેને કવિતાઓ પસંદ છે. અટલ બિહારી વાજપેયીની બાયોપિક ‘મૈં અટલ હૂં’માં તે કામ કરી રહ્યો છે. હાલમાં તે લખનઉમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અટલ બિહારી વાજપેયી સાથે કઈ બાબતમાં સમાનતા ધરાવે છે એ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘ફિલ્મ ‘મૈં અટલ હૂં’ના રિસર્ચ દરમ્યાન મને જાણવા મળ્યું કે પૉલિટિક્સ અને કુશળ વ્યવહારની સાથે અટલજી મહાન કવિ હતા. સાથે જ તેમને સાહિત્ય અને ભાષા પ્રત્યે અપાર પ્રેમ અને લાગણી હતાં. મારા રિસર્ચ દરમ્યાન મને એ પણ જાણવા મળ્યું કે તેઓ પોતાની કવિતાના માધ્યમથી પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. હું એની સાથે જોડાઈ ગયો, કારણ કે સારી કવિતાની મારા પર ઊંડી અસર થાય છે, ખાસ કરીને હિન્દી કવિતાઓ. હું મહાન લેખકોને વાંચતાં મોટો થયો અને ક્યારેક તેમનાથી પ્રેરિત પણ થયો. હું તેમની લાઇન્સને અસ્પષ્ટ રીતે કવિતામાં લખતો હતો. મને એ જાણીને ખુશી થઈ કે એવી કેટલીક કવિતાઓ અને કવિઓ છે જે અટલજી અને મને ગમે છે.’