12 August, 2023 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ ‘OMG 2’માં કામ કરવાની ના પાડી દીધી હતી, પરંતુ બાદમાં તેને એહસાસ થયો કે આ અગત્યની સ્ટોરી છે. આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે અને એમાં અક્ષયકુમાર અને યામી ગૌતમ લીડ રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી ટીનેજર પર આધારિત છે. સારી સ્ક્રિપ્ટ પસંદ કરતો હોવાનું જણાવતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘હું વાંચીને સ્ક્રિપ્ટ પસંદ કરું છું. જો મારી પાસે સારી સ્ક્રિપ્ટ આવે તો હું એ જવા નથી દેતો. મારી કરીઅરના શરૂઆતના દિવસોમાં હું એ સ્થિતિમાં નહોતો કે હું જાતે સ્ક્રિપ્ટ પસંદ કરી શકું, કેમ કે હું પોતે કામની શોધમાં હતો એટલે મારી જર્નીમાં હું કામની તક શોધતો હતો અને હવે સારું કામ પસંદ કરવાની ક્ષમતા ધરાવું છું. હવે હું સારી સ્ક્રિપ્ટ્સ સાંભળું છું. પછી ભલે મારી પાસે સમય ન હોય, પરંતુ હું એ વાતની ખાતરી રાખું છું કે હું સમય ફાળવી શકું, કારણ કે મારું માનવું છે કે આવી અગત્યની સ્ટોરી કહેવી જરૂરી છે. મેં જ્યારે પહેલી વખત ‘OMG 2’ વિશે સાંભળ્યું ત્યારે મારી પાસે એને માટે ત્રણ-ચાર મહિનાનો સમય નહોતો. એથી મેં તેમને કહ્યું કે મારી પાસે પાંચ મહિના સુધી સમય નથી. એ વ્યક્તિ મારા વિશે બધું લાઇન-અપ કરતો હતો. તેણે મને મેકર્સ સાથે મુલાકાત કરીને સ્ટોરી ફરી પાછી સાંભળવા કહ્યું હતું. મીટિંગ બાદ મેં તેમને કહ્યું કે મારી પાસે સમય નથી. મેં તેમને કહ્યું કે થોડા દિવસનો સમય મને આપો. એ રીતે ત્રીજા દિવસે મેં ‘OMG 2’ માટે પંચાવન દિવસનું શેડ્યુલ ફાળવી આપ્યું હતું. મને એહસાસ થયો કે આ અગત્યની ફિલ્મ છે અને મારે એ કરવી જોઈએ. એ મારી સમજ સાથે મળતી આવી. મને લાગે છે કે આજ સુધી મેં યોગ્ય સ્ક્રિપ્ટ્સ જ પસંદ કરી છે એટલે મને લાગે છે કે મેરા દિમાગ સહી કામ કર રહા હૈ.’