પદ્‍‍મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની વિદાય- સાત સૂરોનો સાથ અંત સુધી રહ્યો અકબંધ

12 December, 2024 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિમેન્શ્યાને લીધે તેઓ કોઈને ઓળખતા નહોતા, પણ જો તમે તેમના કોઈ ગીતની પંક્તિ ગાઓ તો આગળની પંક્તિઓ તેઓ ગાવા લાગતા

પુરુષોત્તમ ઉપાધ્યાય

ગુજરાતી સુગમ સંગીતના દિગ્ગજ ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું ગઈ કાલે ૯૦ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર ચાહકોમાં ફરી વળતાં બધા જ ગમગીનીમાં સરી પડ્યા હતા.

છેલ્લા થોડા વખતથી પુરુષોત્તમભાઈની તબિયત થોડી નરમ-ગરમ રહેતી હતી. ગઈ કાલે સવારે થોડુંક અસ્વસ્થ લાગતાં પરિવારજનોએ ડૉક્ટરને બોલાવ્યો હતો. તેમણે તપાસીને દવા પણ આપી હતી. જોકે બપોરે તેઓ વામકુક્ષિ કરતા સૂતા હતા અને એમાં જ તેમણે સાંજે ૪.૨૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના પરિવારમાં તેમનાં પત્ની ચેલના ઉપાધ્યાય અને બે દીકરીઓ વિરાજ અને બિજલનો સમાવેશ થાય છે. પેડર રોડમાં જસલોક હૉસ્પિટલ સામે આવેલા એવરેસ્ટ બિલ્ડિંગમાં રહેતા પુરુષોત્તમભાઈના નશ્વર દેહના ગઈ કાલે રાત્રે વરલીની સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  

વર્ષો સુધી તેમની​ સાથે કામ કરનાર નિર્માતા અને આયોજક નિરંજન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટી ઉંમરને કારણે છેલ્લા દોઢ વર્ષથી તેમને ડિમેન્શ્યાની બીમારી હતી, તેઓ કોઈને ઓળખી નહોતા શકતા. પરિવારે એક કૅરટેકર તેમની સંભાળ માટે રાખ્યો હતો જે તેમને વ્હીલચૅરમાં બેસાડી ફેરવતો હતો. અમે તેમની ખબર પૂછવા જઈએ ત્યારે તેમની સામે બેઠા હોઈએ તો પણ તે અમને ઓળખી નહોતા શકતા. આવી પરિસ્થિતિ હોવા છતાં પુરુષોત્તમભાઈની રગેરગમાં સંગીત સતત ધબકતું રહેતું હતું. જો અમે તેમના કોઈ ગીતની પંક્તિ તેમની સામે ગાઈએ તો તરત જ તેઓ આગળની પંક્તિઓ ગાવા લાગતા હતા. આમ મેમરીએ તેમનો સાથ છોડ્યો, પણ સંગીત હંમેશાં તેમની સાથે જ રહ્યું.’

entertainment news bollywood dhollywood news indian music indian classical music gujaratis of mumbai worli celebrity death