18 December, 2024 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લાપતા લેડીઝ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડ. ઘણા કલાકારો આ એવોર્ડ પોતાને નામ કરવા મહેનત કરતાં હોય છે. ભારતીય ફિલ્મોનું પણ આ ઓસ્કાર એવોર્ડ મેળવવાનું સ્વપ્ન રહ્યું છે. કિરણ રાવની ફિલ્મ `લાપતા લેડીઝ` ઓસ્કાર (Oscar 2025)માં નોમિનેટ થઈ હતી ત્યારથી લોકોનું ધ્યાન તેની પર હતું અને અનેક આશાઓ સેવવામાં આવી હતી. પરંતુ હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગને અચંબો લાગે એવી માહિતી સામે આવી છે કે કિરણ રાવની ‘લાપતા લેડીઝ` 97મા ઓસ્કાર 2025ની રેસમાંથી બહાર કરી દેવામાં આવી છે.
આ જ વર્ષે `લાપતા લેડીઝ`ને ઓસ્કાર ૨૦૨૫ (Oscar 2025) માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે ભારતીય ફિલ્મ તરીકે મોકલવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા જે ૧૫ ફિલ્મોની યાદી બહાર પાડવામાં આવી છે તેમાંથી ‘લાપતા લેડીઝ` લાપતા છે, એટલે કે તે બહાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ભારતનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયુ છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ ઓસ્કાર 2025ની રેસમાંથી `લાપતા લેડીઝ`ને દૂર કરવામાં આવ્યા બાદ અત્યંત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટીકા પણ કરી છે. તેઓએ એક્સ પર લખ્યું હતું કે, “ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફરીવાર આવું કર્યું! તેમનો સ્ટ્રાઈક રેટ અને વર્ષોવર્ષ ફિલ્મોની પસંદગી દોષરહિત છે.”
Oscar 2025: તમને જણાવી દઈએ કે ‘લાપતા લેડીઝ’ આ વર્ષે 1 માર્ચે રિલીઝ થઈ હતી. જેમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશન મુખ્ય રોલમાં છે. `લાપતા લેડીઝ`નું વર્લ્ડ પ્રીમિયર 2023 ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) ખાતે યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે તે ઓસ્કારમાંથી બહાર થઈ જતાં નારાજગી છવાઈ છે.
હજી ભારત પાસે આશા છે
ભલે ‘લાપતા લેડીઝ’ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ દેશ માટે હજી કેટલીક આશા જીવંત છે. તમને જણાવી દઈએ કે શોર્ટ ફિલ્મ ‘અનુજા’ એ બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. ‘અનુજા’ને બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર 2025 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
આ સાથે જ અન્ય હિન્દી ફીચર ફિલ્મ `સંતોષ`ને પણ ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ યુકે દ્વારા ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. આ એવોર્ડ માટે અનેક ફિલ્મો મોકલવામાં આવી હતી. ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયેલી 15 ફિલ્મોમાં સંધ્યા સૂરી દિગ્દર્શિત હતી આ ફિલ્મ જે યુનાઇટેડ કિંગડમની એકેડેમી એવોર્ડ્સ 2025 માટે સત્તાવાર મોકલવામાં આવી હતી. આ મૂવી મે 2024માં 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રીમિયર થઈ હતી.
ઓસ્કર (Oscar 2025) માટેની ફાઇનલ નોમિનેટ થયેલી ફિલ્મનું નામ 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્કાર માટે આ વર્ષે 85 દેશોએ ફિલ્મો સબમિટ કરી છે.