18 August, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. એવામાં કંગના રનૌતે પણ ફિલ્મની પ્રશંસા કરીને ડિરેક્ટર અમર કૌશિકને રિયલ હીરો કહ્યો છે. ‘સ્ત્રી 2’ લોકોને થિયેટરમાં ખેંચવામાં સફળ રહી છે. ફિલ્મની સફળતા વિશે ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું છે કે ‘તમામ રેકૉર્ડ ‘સ્ત્રી 2’એ બ્રેક કર્યા છે. આખી ટીમને અભિનંદન, પરંતુ ફિલ્મનો રિયલ હીરો તો એનો ડિરેક્ટર છે. ભારતમાં આપણે ડિરેક્ટરની ધારી પ્રશંસા નથી કરતા અને તેમને શ્રેય પણ નથી આપતા. આ જ કારણ છે કે યુવાઓને રાઇટર કે ડિરેક્ટર નથી બનવું. ફિલ્મોમાં કરીઅર બનાવવા માગતા મારી પાસે માર્ગદર્શન માટે આવતા લોકોને કાં તો ઍક્ટર કાં તો સુપરસ્ટાર બનવું છે. જો બધા જ ઍક્ટર બની જશે તો ફિલ્મ કોણ બનાવશે? વિચારો. એથી એ તમામ ડિરેક્ટર્સ વિશે જાણો જે તમને મનોરંજન આપવા માટે સખત મહેનત કરે છે. તેમની લાઇફ અને તેમની કામ કરવાની રીતભાત વિશે શીખો. તેમની પ્રશંસા કરો અને તેમને પ્રોત્સાહન પણ આપો. ડિયર અમર કૌશિક સર, થૅન્ક યુ, તમે આવી બ્લૉકબસ્ટર ફિલ્મ બનાવી જેની હાલમાં ખૂબ જરૂર હતી.’
હંસલ મહેતાએ કઈ વાત ધ્યાનમાં રાખવાનું કહ્યું?
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ફિલ્મમેકર હંસલ મેહતાએ પોસ્ટ કર્યું કે ‘તમે જ્યારે ‘સ્ત્રી 2’ની સફળતાને સેલિબ્રેટ કરો તો એક વાત ધ્યાનમાં રાખજો કે એની સફળતાનું શ્રેય માત્ર એક સ્ટારને આપીને એનું મહત્ત્વ ઘટાડતા નહીં. ટૅલન્ટનો આ એક એવો ભંડાર છે જે અદ્ભુત રાઇટિંગ, ડિરેક્શન અને અભિનયની પ્રતિભાથી પરિપૂર્ણ છે. આ રાજકુમાર રાવની જીત છે, જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, કારણ કે તે અતિશય ટૅલન્ટેડ ઍક્ટર છે. સાથે જ અમર કૌશિકની પણ આ જીત છે, કારણ કે આ માધ્યમમાં તેમની હથોટી છે. તેમનામાં સ્ક્રિપ્ટને અર્થસભર મનોરંજક ફિલ્મમાં બદલવાની કળા છે. આ જીત છે રાઇટર નિરેન ભટ્ટની જેમણે સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી માંડીને ફિલ્મો ‘બાલા’, ‘ભેડિયા’ અને ‘મુંજ્યા’માં પોતાની રાઇટિંગનો જાદુ પાથર્યો છે. આ જીત છે ફિલ્મનાં કલાકારો રાજ અને શ્રદ્ધા કપૂરની. ભારતીય મેઇનસ્ટ્રીમ સિનેમાની આ જીત છે. ફાઇનલી રિયલ ટૅલન્ટની જીત થઈ છે. ટ્રેડ-એક્સપર્ટ્સ અને અનેક ક્રિટિક્સ આ ફિલ્મ વિશે ઘસાતું બોલશે. યાદ રાખો કે તેઓ કાંઈ એક્સપર્ટ્સ નથી.’