11 July, 2023 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ઓહ માય ગોડની સિક્વલ `OMG 2`નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મ 11 ઑગસ્ટના રોજ રિલીઝ થશે ત્યારે હવે ચાહકો ફિલ્મના ટ્રેલરની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરી દેવામાં આવ્યું જેને જોઈને પણ ચાહકો ખૂબ જ ઉત્સુક જોવા મળ્યા. ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે.
બૉલિવૂડ ફિલ્મ `OMG 2`માં પણ અક્ષય કુમારે (Akshay Kumar)ભગવાનનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ OMGમાં અક્ષય કુમારે ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું જ્યારે આ વખતે ટીઝર અને પોસ્ટરમાં સ્પષ્ટ દેખાય છે કે અક્ષય કુમાર ત્રિનેત્રી, જટાધારી શિવ જેમને આપણે દેવોના દેવ મહાદેવ પણ કહીએ છીએ તેમના લૂકમાં જોવા મળે છે. ફિલ્મના ટીઝરની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી ભગવાન શંકર અને તેમના ભક્તની આસપાસ વણાયેલી હશે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું ટીઝર શૅર કર્યું છે. આ પોસ્ટ શૅર કરતાં તેણે લખ્યું છે કે, “રાખ વિશ્વાસ”
ટીઝરમાં અક્ષય કુમાર મંત્રોચ્ચાર વચ્ચે પ્રવેશ કરે છે. પરેશ રાવલ મંદિરમાં દેખાય છે. બીજી તરફ પંકજ ત્રિપાઠી મહાકાલની પૂજામાં તલ્લીન જોવા મળે છે. આ દરમિયાન ટીઝરમાં રેલ્વે સ્ટેશનનું દ્રશ્ય પણ દર્શાવવામાં આવ્યું છે. ટ્રેનમાં એક ટીનેજ છોકરો રેલ્વેના પાટા પર ઉભો જોવા મળે છે અને તેની સામે એક ટ્રેન સ્પીડમાં આવતી જોવા મળી રહી છે.
આ ટીઝર કુલ 1.26 મિનિટનું છે. ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીથી થાય છે. પૃષ્ઠભૂમિમાં એવું કહેવાયું છે કે, `ભગવાન હોય કે ન હોય વ્યક્તિ આસ્તિક કે નાસ્તિક હોવાનો પુરાવો આપી શકે છે. પરંતુ ભગવાન પોતે બનાવેલા માણસો વચ્ચે ક્યારેય ભેદ કરતાં નથી. નાસ્તિક કાંજીલાલ મહેતા (ઓએમજીમાં પરેશ રાવલ) હોય કે આસ્તિક કાંતિ શરણ (ઓએમજી 2માં પંકજ ત્રિપાઠી) હોય. તેમના સંતાનો દ્વારા જ્યારે જ્યારે તેમને યાદ કરવામાં આવે ત્યારે ભગવાન અચૂક દુઃખ દૂર કરવા આવતા હોય છે.
ટીઝરમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે પંકજ ત્રિપાઠીનો પરિવાર મુશ્કેલીમાં મુકાયેલો છે. 40 સેકન્ડ પછી તરત અક્ષય કુમાર ભગવાન શિવ તરીકે પ્રવેશ કરે છે અને પંકજ ત્રિપાઠી પર તેમના આશીર્વાદ વરસાવે છે.
અક્ષય કહે છે, "વિશ્વાસ રાખો, તમે શિવના સેવક છો." પંકજ ત્રિપાઠીના માથા પર હાથ મૂકવાથી લઈને ટ્રેનની બાજુમાં બેઠેલા અક્ષય કુમારના માથા પર પાણી પડી રહ્યું હોવાના લુક સુધી ફિલ્મના આ ટીઝરે ખરેખર ચાહકોના દિલ જીતી લીધા છે.
પરેશ રાવલ આ વખતે `OMG 2`માં જોવા મળશે નહીં. પંકજ ત્રિપાઠીએ આસ્તિક બનીને રોલ કરવાના છે. ફિલ્મમાં યામી ગૌતમનું પણ મહત્ત્વનું પાત્ર ભજવવાના છે. જાણીને ગમશે કે તે એક વકીલના રોલમાં જોવા મળશે. જોકે તે ટીઝરમાં દેખાઈ ન હતી.
આ ફિલ્મ 11મી ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 2012માં આવેલી અક્ષય કુમારની `OMG` બૉક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં પરેશ રાવલે ભગવાન (અક્ષય કુમાર) વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને તેની વિરુદ્ધ વકાલત કરી હતી.