08 November, 2022 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ ઇન આદિપુરુષ
પ્રભાસ, સૈફ અલી ખાન અને ક્રિતી સૅનનની ‘આદિપુરુષ’ની રિલીઝને પોસ્ટપોન કરવામાં આવી છે. એનું કારણ છે કે મેકર્સની ઇચ્છા છે કે લોકોને આ ફિલ્મ દ્વારા અદ્ભુત અનુભવ અપાવવા માટે તેમને હજી વધુ સમયની જરૂર છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રામના રોલમાં પ્રભાસ, સીતાના રોલમાં ક્રિતી અને રાવણના રોલમાં સૈફ અલી ખાન જોવા મળશે. ફિલ્મને અગાઉ ૨૦૨૩ની ૧૨ જાન્યુઆરીએ રિલીઝ કરવાની હતી. જોકે હવે એની રિલીઝને પોસ્ટપોન કરતાં આવતા વર્ષે ૧૬ જૂને રિલીઝ કરવામાં આવશે. એની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં ઓમ રાઉતે લખ્યું હતું કે ‘જય શ્રી રામ. ‘આદિપુરુષ’ ફિલ્મ નથી, પરંતુ પ્રભુ શ્રી રામ પ્રત્યેની અમારી ભક્તિ, આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા છે. દર્શકોને પૂરી રીતે શાનદાર વિઝ્યુઅલનો અનુભવ અપાવવા માટે ફિલ્મ પર અમારી ટીમને વધુ સમયની જરૂર છે. ‘આદિપુરુષ’ને હવે ૨૦૨૩ની ૧૬ જૂને રિલીઝ કરવામાં આવશે. ભારતને ગર્વ થાય એવી ફિલ્મ બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ. તમારો સપોર્ટ, પ્રેમ અને આશીર્વાદ અમને આગળ વધવામાં મદદ કરે છે.’