09 February, 2024 06:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
હૃષિકેશ મુખરજીની ક્લાસિક ફિલ્મ ‘બાવર્ચી’ની રીમેક બનવાની છે. ૧૯૭૨માં આવેલી આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને જયા બચ્ચન લીડ રોલમાં હતાં. આ ફિલ્મને અનુશ્રી મેહતા ડિરેક્ટ કરશે, જેણે અગાઉ ‘મિસિસ અન્ડરકવર’ ડિરેક્ટ કરી હતી. ‘બાવર્ચી’ની સાથે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ‘મિલી’ અને ગુલઝારની ‘કોશિશ’ની પણ રીમેક કરવામાં આવશે. આ ત્રણેય ફિલ્મને જાદુગર ફિલ્મ્સ અને સમીર રાજ સિપ્પી પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરશે. આ વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મમાં A લિસ્ટ સ્ટાર્સને લેવાની મેકર્સની ઇચ્છા છે. ફિલ્મ વિશે અનુશ્રીએ કહ્યું કે ‘મારા બિઝનેસ પાર્ટનર જાદુગર ફિલ્મ્સના અબીર સેનગુપ્તા અને સમીર રાજ સિપ્પી અને મેં આવી ત્રણ આઇકૉનિક ફિલ્મોને રીમેક કરવાનું નક્કી કર્યું હતું. અમે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે આ ફિલ્મોને પ્રેમ અને સન્માનની સાથે બનાવવામાં આવશે. ‘બાવર્ચી’ પર ચર્ચા દરમ્યાન અબીર અને સમીરે જણાવ્યું કે મારે એની સ્ટોરી લખવી જોઈએ અને એને ડિરેક્ટ પણ કરવી જોઈએ. તેમને પૂરી ખાતરી છે કે હું સ્ટોરીને એવી રીતે દેખાડીશ કે તેમને ગર્વ થશે. અમે અમારા દૃષ્ટિકોણ સાથે તાલમેલ બેસાડી રહ્યા હતા અને આ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર તરીકે આવવાનું મેં નક્કી કર્યું. ફિલ્મની સ્ટોરીને વર્તમાન સમય સાથે અને આજના જે વિશ્વમાં આપણે રહીએ છીએ એની સાથે જોડવું ખૂબ જરૂરી છે. સાથે જ એ ફિલ્મનો સાર અને ઉદ્દેશ કાયમ રાખવો જોઈએ. ‘બાવર્ચી’ એક બંગાળી ફિલ્મની રીમેક છે. હૃષિદાએ એ વખતે એને રીક્રીએટ કરી અને એ સમય સાથે જોડીને બનાવી હતી. મારો ઇરાદો પણ એવો જ છે કે ક્લાસિક સ્ટોરી ‘બાવર્ચી’ને એવી રીતે બનાવું કે એને પરિવારના દરેક ઉંમરના લોકો સાથે બેસીને જોઈ શકે અને એને એન્જૉય કરી શકે. મારો ઉદ્દેશ એક સંપૂર્ણ અને કદી ન ભૂલી શકાય એવો કૌટુંબિક અનુભવ લોકોને આપવાનો છે.’