05 June, 2023 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
ઓડિશામાં શુક્રવારે જે રેલવે-ઍક્સિડન્ટ થયો છે એને લઈને સોનુ સૂદે એનો ભોગ બનેલાઓની મદદ કરવાની વિનંતી કરી છે. આ દુર્ઘટનામાં લગભગ ૨૮૮ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૯૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે. સોનુ સૂદનું કહેવું છે કે આ અકસ્માતમાં કેટલાય પરિવાર વિખેરાઈ ગયા છે. તેમના ઘરનો મુખ્ય આધાર ચાલ્યો ગયો છે. આવા પરિવાર માટે તેણે પેન્શન યોજના શરૂ કરવામાં આવે એવી વિનંતી કરી છે. ટ્વિટર પર સોનુ સૂદે એક વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં સોનુ કહી રહ્યો છે, ‘સરકાર અકસ્માતનો ભોગ બનેલાઓને જે વળતર તરીકે રૂપિયા આપશે એ તો થોડા સમય બાદ પૂરા થઈ જશે. ત્યાર બાદ એ લોકોનું શું થશે? તેમનું ગુજરાન કેમ ચાલશે? આપણે લોકો ટ્વીટ કરીએ છીએ, શોક વ્યક્ત કરીએ છીએ, પછી આપણે આપણા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. જોકે એ લોકોનું શું જેઓ કમાવા માટે અન્ય શહેરમાં જાય છે. તેમનો પરિવાર આ અકસ્માતમાં વિખેરાઈ ગયો છે. શું તેઓ ફરીથી પોતાના પગ પર ઊભા રહી શકશે. મારું માનવું છે કે રાજકીય દળોએ
એકબીજા પર દોષ ઠાલવવાનું બંધ કરવું જોઈએ. હું દરેકને વિનંતી કરું છું કે તેમની મદદ માટે આગળ આવો. સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એવી નીતિ બનાવે જે ભવિષ્યમાં એક નક્કર ઉદાહરણ સાબિત થાય. માત્ર સોશ્યલ મીડિયામાં દુ:ખ વ્યક્ત કરવાથી કાંઈ નહીં વળે. આ લોકો માટે રાહત રાશિ જમા કરાવવી જોઈએ. આ જરૂરિયાતમંદ લોકોના પડખે ઊભા રહેવાની જરૂર છે. જય હિન્દ.’