24 January, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
બૉલીવુડની ટૅલન્ટેડ ઍક્ટ્રેસ યામી ગૌતમે ૨૦૨૪માં દીકરા વેદાવેદને જન્મ આપ્યો હતો અને દીકરાના જન્મના ૪ મહિના પછી તેણે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે યામી પોતાની આગામી ફિલ્મ ‘ધૂમધામ’ના પ્રમોશન માટે તૈયાર છે. યામીએ પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મને ગયા વર્ષે અનેક રોલ ઑફર થયા હતા એ વાત દર્શાવે છે કે સમયની સાથે-સાથે માનસિકતામાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. પહેલાં હીરો પોતાનું મૅરિટલ સ્ટેટસ જાહેર કરતાં અચકાતા હતા અને મોટા ભાગે હિરોઇનોને માતા બન્યા પછી સારા રોલ ઑફર નહોતા થતા, પણ હવે એવું રહ્યું નથી.
વાતચીત દરમ્યાન યામીએ જણાવ્યું હતું કે ‘પહેલાં જો તમારે પરિવાર શરૂ કરવો હોય તો મુશ્કેલ હતું. મારા એક સિનિયરે મને કહ્યું હતું કે તમારી બાયોલૉજિકલ ક્લૉક હંમેશાં તમારી કરીઅરની ક્લૉક કરતાં વિરુદ્ધમાં દોડતી હશે. એ સમય કેટલો અલગ હતો અને મને ખાતરી છે કે એ સમયે ક્રીએટિવિટી પણ બહુ મર્યાદિત હતી.’
યામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફીમેલ ઍક્ટર્સને પોતાની જાત માટે નિર્ણય લેવાની સત્તા હોવી જોઈએ. તેણે જણાવ્યું હતું કે ‘એ મહિલાની ચૉઇસ હોવી જોઈએ કે તેને પરણ્યા પછી કે બાળકને જન્મ આપ્યા પછી કામ કરવું છે કે નહીં. એ પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. જો કોઈ ઍક્ટ્રેસને માતા બન્યા પછી પણ કામ કરવાની ઇચ્છા હોય તો તેને એ માટેની તક મળવી જોઈએ. જોકે આ વાતનો આધાર તમે કયા પ્રકારની ફિલ્મો કરો છો એના પર રહેલો છે.’