07 September, 2024 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ઇમર્જન્સી`નું પોસ્ટર
બૉલીવુડમાં રાજકીય વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો બનાવવામાં ક્યારેય પાછી પાની કરવામાં આવી નથી અને હિન્દી ફિલ્મનિર્માતાઓ આવા વિષયોને સ્પર્શવામાં ક્યારેય ડરતા નથી. જોકે ઘણી વાર એવું થાય છે કે આવા વિષયોના કારણે વિવાદ ઊભા થાય છે. ભારતનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર બનાવવામાં આવેલી ફિલ્મો આમાં અપવાદ નથી. તેમણે ભારતમાં ઇમર્જન્સી લાદી હતી અને તેમની હત્યા તેમના સત્તાવાર ઘરમાં કરવામાં આવી હતી અને આ વિષયો પરની જે ફિલ્મો બની છે એમાં ભારે વિવાદ ઊભો થયો છે.
ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ આવી ફિલ્મોના વિષય અને એમાં દર્શાવવામાં આવેલી સામગ્રીને સંવેદનશીલ અથવા જાહેર વ્યવસ્થા માટે સંભવિત વિક્ષેપકારક ગણીને એને અટકાવી છે અને એના લીધે ઘણી વાર કાનૂની લડાઈઓ થઈ છે. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર બનેલી એવી ફિલ્મો, જેને CBFC સામે લડત કરવી પડી હતી એની ઝલક નીચે મુજબ છે.
ઇમર્જન્સી (૨૦૨૪)
ઍક્ટ્રેસ અને ફિલ્મનિર્માતા તથા હવે સંસદસભ્ય કંગના રનૌતે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫ અને ૧૯૭૭ વચ્ચે લગાવેલી ઇમર્જન્સીના મુદ્દે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં કંગના રનૌત ખુદ ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. જોકે તેને હજી સુધી CBFC પાસેથી સર્ટિફિકેટ મળ્યું નથી. બૉમ્બે હાઇ કોર્ટે ૪ સપ્ટેમ્બરે આદેશ આપ્યો હતો કે ૬ સપ્ટેમ્બરે રજૂ થનારી આ ફિલ્મ વિશે સિખ સમુદાયની સંસ્થાઓ, જૂથો કે કોઈ વ્યક્તિ દ્વારા થતી રજૂઆત પર ૧૮ સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવામાં આવે. વિરોધ કરનારાં જૂથોનો દાવો છે કે આ ફિલ્મમાં સિખ સમુદાયની ઇમેજ ખોટી રીતે દર્શાવવામાં આવી છે. કંગના રનૌતે આ મુદ્દે ૬ સપ્ટેમ્બરે શુક્રવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારે હૃદય સાથે જણાવી રહી છું કે આ ફિલ્મની રિલીઝને ફરી આગળ લંબાવવામાં આવી છે, અમને હજી સુધી ફિલ્મ માટે CBFC પાસેથી સર્ટિફિકેટ મળ્યું નથી, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઇન્દુ સરકાર (૨૦૧૭)
મધુર ભંડારકરે કટોકટી લાદવામાં આવી હતી એ સમયગાળાની ઘટનાઓને રજૂ કરતી આ ફિલ્મ બનાવી હતી, જેમાં કીર્તિ કુલ્હારી ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં હતી. કૉન્ગ્રેસે આ ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો હતો અને એના સમર્થકોએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીને ખરાબ રીતે ચીતરવામાં આવ્યા છે. જોકે આ ફિલ્મની રિલીઝ અટકાવાઈ નહોતી અને ફિલ્મ ૨૦૧૭માં મોટા પડદા પર રજૂ થઈ હતી.
કિસ્સા કુર્સી કા (૧૯૭૮)
શબાના આઝમી, રાજ બબ્બર અને દિવંગત ઍક્ટ્રેસ સુરેખા સિકરી અભિનીત આ ફિલ્મે પણ જોરદાર વિવાદ જગાવ્યો હતો. ૧૯૭૫માં કટોકટીના કારણે આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અમૃત નાહટાએ કર્યું હતું અને એ સમયે તેઓ સંસદસભ્ય હતા. એ સમયની સરકારે આ ફિલ્મ જોઈ હતી અને એમાં સુધારા કરવા જણાવ્યું હતું. ૧૯૭૫ના એપ્રિલ મહિનામાં આ ફિલ્મને CBFC પાસે સર્ટિફિકેશન માટે મોકલવામાં આવી હતી. ત્યાર બાદ આ ફિલ્મની પ્રિન્ટોને જપ્ત કરીને સળગાવી દેવામાં આવી હતી. જોકે ૧૯૭૮માં છેવટે આ ફિલ્મ રજૂ થઈ હતી.
આંધી (૧૯૭૫)
ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સંજીવ કુમાર અને સુચિત્રા સેન મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મ સામે એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે એમાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના પતિ વચ્ચેના સંબંધોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જોકે ૧૯૭૭માં તેમની સરકાર પડી ગયા બાદ આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. એનાં ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં.