11 December, 2022 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર
કરણ જોહરે જણાવ્યું કે પોતાના પર દૃઢ નિશ્ચય ન હોવાને કારણે બૉલીવુડની ફિલ્મો ફ્લૉપ થાય છે. સાથે જ તેણે સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી દ્વારા લખવામાં આવતી ફિલ્મોની પણ પ્રશંસા કરી હતી. એ વિશે કરણે કહ્યું કે ‘આપણે સલીમસા’બ અને જાવેદસા’બે બનાવેલી ફિલ્મો માટે તેમનો આભાર માનવો જોઈએ. આપણે તેમના જેવી ફિલ્મો બનાવવાનું છોડીને સ્વિટ્ઝરલૅન્ડ પહોંચી ગયા. ‘હમ આપકે હૈં કૌન’ બાદ બધા જેમાં હું પણ સામેલ છું એવા પ્રકારની પ્રેમભરી ફિલ્મો બનાવવા લાગ્યા. ૭૦ના દાયકાની આપણી જે પરંપરા હતી એનાથી આપણે હટી ગયા. ૨૦૦૧માં જ્યારે ‘લગાન’ને ઑસ્કર માટે નૉમિનેશન મળ્યું તો અમને લાગ્યું કે હવે આપણે આવા પ્રકારની ફિલ્મો બનાવવી જોઈએ. ૨૦૧૦માં આવેલી ‘માય નેમ ઇઝ ખાન’માં ‘લગાન’ જેવી ઝલક હતી. એ ફિલ્મ ‘દબંગ’ની સાથે રિલીઝ થઈ હતી. એને કારણે ફરીથી ટ્રેન્ડ બદલાયો અને લોકોએ વિચાર્યું કે આવી કમર્શિયલ ફિલ્મો બનાવીએ. મૂળ સમસ્યા એ જ છે. વાસ્તવમાં તો આપણામાં મક્કમ નિર્ધાર અને વિશ્વાસની ઊણપ છે.’