#NOSTALGIA : બોલિવૂડના આ અભિનેત્રી ૧૭ વર્ષની ઉંમરે બન્યા હતા મિસ ઈન્ડિયા, તમે ઓળખ્યા?

19 April, 2023 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલિવૂડમાં મળેલી અપાર સફળતા છતાં લગ્ન પછી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું આ અભિનેત્રીએ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બોલિવૂડ સેલિબ્રિટીઝના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર અવરનવાર વાયરલ થતાં રહે છે. પછી ફેન્સ તે તસવીરો જોઈને તુક્કો લગાવતા હોય છે કે, આ સેલિબ્રિટી કોણ છે! તાજેતરમાં જ ૮૦-૯૦ના દાયકાના અભિનેત્રીની એક બ્લેક એન્ડ વાઇટ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.

સલવાર સૂટમાં ડાન્સની પ્રેક્ટિસ કરતી આ છોકરી ૮૦-૯૦ના દાયકાના પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડિસીમાં ટ્રેન્ડ ડાન્સર રહેલા આ અભિનેત્રીએ માત્ર ૧૭ વર્ષની ઉંમરે ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. ઉત્કૃષ્ટ ફિલ્મો અને દમદાર પાત્રોના જોરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર આ અભિનેત્રી લગ્ન બાદ બોલિવૂડ અને ભારતને અલવિદા કહીને અમેરિકામાં સ્થાયી થયા હતા. શું તમે આ અભિનેત્રીને ઓળખો છો?

અહીં જુઓ વાયરલ તસવીર :

તસવીરમાં દેખાતી આ છ વર્ષની છોકરી ૮૦ના દાયકાના પ્રખ્યાત અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી છે. ૧૬ નવેમ્બર ૧૯૬૩ના રોજ ધનબાદમાં જન્મેલા મીનાક્ષીનું સાચું નામ શશિકાલ શેષાદ્રી છે. મીનાક્ષીએ ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યા બાદ ફિલ્મ ‘પેઇન્ટર બાબુ’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે, જેકી શ્રોફ સાથેની ફિલ્મ ‘હીરો’થી તેમને ખરેખર ઓળખ મળી હતી અને તે જ ફિલ્મને તેમની પ્રથમ ફિલ્મ તરીકે જોવામાં આવે છે.

આ પણ વાંચો – #NOSTALGIA : મમ્મીના ખોળામાં રમતો આ એક્ટર છે બોલિવૂડનો ‘સિરિયલ કિસર’, તમે ઓળખ્યો?

માત્ર ૧૭ વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર મીનાક્ષીએ બે દાયકાની પોતાની કારકિર્દીમાં ઘણી નામના અને ખ્યાતિ મેળવી હતી. અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ, અનિલ કપૂર, ગોવિંદા, મિથુન ચક્રવર્તી જેવા મોટા સ્ટાર્સ સાથે તેમણે સ્ક્રીન સ્પેસ શેર કરી છે. મીનાક્ષીને `મેરી જંગ`, `શહેનશાહ`, `ઘાયલ`, `દામિની`, `ઘાતક` જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમના સશક્ત પાત્રો માટે હંમેશા યાદ કરવામાં આવે છે.

આ પણ જુઓ – #NOSTALGIA : ઊર્મિલા માતોન્ડકરની આ તસવીરો જોઈ કહેશો..‘મુજે પ્યાર હુઆ અલ્લાહ મિયાં’

અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ હરીશ મૈસૂર નામના બેન્કર સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી મીનાક્ષી ભારત છોડીને યુએસ શિફ્ટ થઈ ગયા છે. શેષાદ્રી અને હરીશને બે બાળકો છે. મીનાક્ષી હવે ડાન્સ એકેડમી ચલાવે છે અને બાળકોને ડાન્સ શીખવે છે.

bollywood bollywood news nostalgia meenakshi shedde