21 November, 2023 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
ફ્રાન્સમાં આયોજિત થનાર ‘ફેસ્ટિવલ દેસ 3 કૉન્ટિનેન્ટ્સ’ એટલે કે ‘થ્રી કૉન્ટિનન્ટ્સ ફેસ્ટિવલ’માં અમિતાભ બચ્ચનની નવ ફિલ્મોનું સ્ક્રીનિંગ થવાનું છે. ફ્રાન્સના નૉન્ત શહેરમાં આયોજિત થનારા આ ફેસ્ટિવલમાં આફ્રિકા, લૅટિન અમેરિકા અને એશિયાની ફિલ્મો દેખાડવામાં આવશે. આ ફેસ્ટિવલ ચોવીસ નવેમ્બરથી શરૂ થઈને ત્રણ ડિસેમ્બર સુધી ચાલશે. તેમની ફિલ્મોને ‘અમિતાભ બચ્ચન, બિગ બી ફોરેવર’ હેઠળ દેખાડવામાં આવશે. એ દરમ્યાન ‘શોલે’, ‘દીવાર’, ‘ડૉન’, ‘કભી કભી’ અને ‘અમર અકબર ઍન્થની’નું સ્ક્રીનિંગ થશે. એ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનની પહેલ દ્વારા ભારતની ક્લાસિક ફિલ્મોને દેખાડવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે. એ જાણીને મને અતિશય આનંદ થયો કે મારી નવ જૂની ફિલ્મોને પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ એવા ‘ફેસ્ટિવલ દેસ 3 કૉન્ટિનન્ટ્સ’માં સિલેક્ટ થઈ છે. આ ફેસ્ટિવલ આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાની ફિલ્મો પર ધ્યાન આપે છે. મારી એ ફિલ્મો દ્વારા મને અલગ-અલગ કૅરૅક્ટર્સ ભજવવાની અને દિગ્ગજ ફિલ્મમેકર્સ જેવા કે હૃષિકેશ મુખરજી, મનમોહન દેસાઈ, યશ ચોપડા અને રમેશ સિપ્પી સાથે કામ કરવાની તક મળી છે. આશા છે કે આ ફેસ્ટિવલમાં દર્શકો મારી ફિલ્મોને એન્જૉય કરશે જે આજે પણ ભરપૂર આનંદ આપે છે. હું તો ત્યાં નહીં જઈ શકું. જોકે મને એ વાતની ખુશી છે કે મારી દીકરી શ્વેતા નૉન્તમાં આ ફેસ્ટિવલમાં મને રેપ્રિઝેન્ટ કરશે.’