04 December, 2023 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહ રૂખ ખાન
શાહરુખ ખાનની ‘ડંકી’ ૨૧ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને શાહરુખના વિદેશ વસતા દોઢ લાખથી વધુ ફૅન્સ આ ફિલ્મ જોવા ભારત આવશે. શાહરુખની ફૅન ક્લબ અને એસઆરકે યુનિવર્સમાં તેમનું રજિસ્ટ્રેશન થયું હોવાની માહિતી મળી છે. આ બધા ફૅન્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાના છે. એવું જાણવા મળ્યું છે કે એસઆરકે યુનિવર્સ આખા વિશ્વમાં લગભગ ૧૦૦૦ શો યોજવાનું છે. એમાંથી ૬૦૦ શો ભારતમાં થશે. એ સિવાય શાહરુખની અન્ય બે ફૅન ક્લબ છે એસઆરકે વૉરિયર્સ અને કિંગ એસઆરકે FC. એ પણ ફર્સ્ટ ડે ફૅન શો યોજવાના છે. રાજકુમાર હીરાણીની આ ફિલ્મમાં વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ લીડ રોલમાં છે.
શુભમ અને અધિરાજને લઈને મૂંઝવણમાં મુકાઈ કાવ્યા
સોની પર આવતી સિરિયલ ‘કાવ્યા - એક જઝ્બા, એક જુનૂન’માં સુમ્બુલ તૌકિરની લાઇફમાં અનોખો વળાંક આવ્યો છે. તેણે પ્રેમ અને પ્રામાણિકતાની કસોટી કરવાની છે. આ સિરિયલ સોની પર સોમવારથી શુક્રવારે સાંજે સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આઇએએસ ઑફિસર કાવ્યા બંસલના રોલમાં સુમ્બુલ જામી ગઈ છે. એક સમયે તે અધિરાજનો રોલ કરતા મિશ્કત વર્મા તરફ આકર્ષાઈ હતી. જોકે તેમની વચ્ચે થયેલી ગેરસમજને કારણે તેઓ જુદાં પડ્યાં. તો બીજી તરફ કાવ્યાના એક્સ ફિયાન્સ શુભમનો રોલ કરનાર અનુજ સુલેરે તેમની લવ-લાઇફમાં અડચણ નાખવાનો પ્રયાસ કરે છે. પંડિતને લઈને લગ્નની તારીખ નક્કી કરવા માટે કાવ્યાના ઘરે અનુજ પહોંચી જાય છે. પોતાના રોલ શુભમ વિશે અનુજે કહ્યું કે ‘શુભમ તેની લાઇફમાં કાવ્યાને લાવવા માટે અડગ છે. તે એ વાત માનવા તૈયાર જ નથી કે કાવ્યા અધિરાજને પ્રેમ કરે છે. કાવ્યાને તેનાથી દૂર કરવા માટે તે ષડ્યંત્ર રચે છે. જો હું કોઈને ખરા દિલથી પ્રેમ કરતો હોઉં તો હું તેની ખુશીને પ્રાથમિકતા આપું. જો તે કોઈને પ્રેમ કરતી હોય તો હું મારો અહમ્ કે અધિકાર તેના પર ન જમાવું.’
‘કુમકુમ ભાગ્ય’માં નવા ટ્વિસ્ટ લઈને આવશે ડિરેક્ટર રિશી શર્મા
ડિરેક્ટર રિશી શર્મા હવે ‘કુમકુમ ભાગ્ય’ને ડિરેક્ટ કરવાની કમાન સંભાળવાનો છે. તેનો દાવો છે કે તે આ શોમાં નવા વળાંક લઈ આવશે. ઝીટીવી પર આવતી આ સિરિયલમાં મુગ્ધા ચાફેકર, ક્રિષ્ના કૌલ, રાચી શર્મા અને અબરાર કાઝી લીડ રોલમાં છે. શો વિશે રિશી શર્માએ કહ્યું કે ‘આ સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ અદ્ભુત કલાકારો સાથે પ્રામાણિક ફૅન્સ ધરાવે છે. હું એની જર્નીમાં જોડાવા આતુર છું, જે પહેલેથી લોકોનાં દિલ પર છવાઈ ગયો છે. આ શોમાં ઇમોશન્સ, રિલેશનશિપ અને ડ્રામા જોવા મળે છે. હવે એમાં હું ક્રીએટીવ ટ્વિસ્ટ લાવવામાં યોગદાન આપીશ. અગાઉ મેં ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘કામના’ અને ‘કભી કભી ઇત્તેફાક સે’ ડિરેક્ટ કર્યો હતો અને હવે એનો અનુભવ મને ‘કુમકુમ ભાગ્ય’માં મદદ કરશે. શોના ટૅલન્ટેડ કાસ્ટ અને ક્રૂ સાથે કામ કરવાની તક મળતાં હું ઉત્સુક છું. હું ફ્રેશ એનર્જી અને નવી સ્ટોરી જે દર્શકોને જોડી શકે એ દેખાડવા આતુર છું.’