07 October, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લતા મંગેશકર
લતા મંગેશકરે તેમના છેલ્લા દિવસોમાં રામ મંદિર માટે ગીત ગાયું હતું
લતા મંગેશકરે તેમના અંતિમ દિવસોમાં તબિયત ખરાબ હોવા છતાં પણ રામ ભજન રેકૉર્ડ કર્યું હતું. તેમના અવાજમાં શ્લોક અને મંત્રોચ્ચાર પણ સાંભળવા મળશે. આવતા વર્ષે અયોધ્યાના રામ મંદિરના ઉદ્ઘાટન દરમ્યાન આ રામ ભજન પ્લે કરવામાં આવશે. તેમનો મધુર અવાજ અયોધ્યાની ધરતી પર સંભળાતાં ઐતિહાસિક અવસરમાં સોનામાં સુગંધ ભળી જશે. આ ગીતને લતા મંગેશકરના નજીકના એવા મયૂરેશ પૈએ કમ્પોઝ કર્યું છે. લતા મંગેશકરની ઇચ્છા હતી કે રામ મંદિરના ઉદ્ઘાટન વખતે તેમનાં ગાયેલાં ભજનોને પ્લે કરવામાં આવે. એ વિશે મયૂરેશે કહ્યું કે ‘જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ ગીત ગાતાં હતાં અને કામ કરતાં હતાં. રામ મંદિરમાં તેમનો અવાજ ગુંજે એવી તેમની ઇચ્છા હતી. તેમણે ખાતરી લીધી હતી કે તેઓ ગીત રેકૉર્ડ કરે. તેમની તબિયત બગડતી હતી. તેઓ બહાદુર હતાં.’
યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીની બાયોપિક આવશે ૨૭ ઑક્ટોબરે
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીની મરાઠી બાયોપિક ‘ગડકરી’ ૨૭ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને અનુરાગ રાજન ભુસારીએ ડિરેક્ટ કરી છે. તો અક્ષય દેશમુખ ફિલ્મ્સે એને પ્રોડ્યુસ કરી છે. નીતિન ગડકરીની પર્સનલ લાઇફ અને રાજકારણમાં જર્નીનો પૂરો ચિતાર આ ફિલ્મમાં જોવા મળવાનો છે. સાથે જ તેમની પર્સનાલિટીનાં વિવિધ પાસાંને પણ આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યું છે. એથી લોકોને તેમની લાઇફને વધુ નજીકથી જાણવાની તાલાવેલી જાગી છે. જોકે તેમનું પાત્ર કોણ ભજવવાનું છે એના પર મેકર્સે સસ્પેન્સ રાખ્યું છે. પોસ્ટરમાં તેમનો ચહેરો નથી દેખાઈ રહ્યો, પરંતુ માત્ર પીઠ દેખાય છે.
આવી રહી છે શેરની
સુસ્મિતા સેન જલદી જ વેબ-સિરીઝ ‘આર્યા 3’ લઈને આવી રહી છે. તેની અગાઉની બે સીઝન લોકોને ખૂબ ગમી હતી. ‘આર્યા 3’ ત્રીજી નવેમ્બરે ડિઝની + હૉટસ્ટાર પર આવવાની છે. રામ માધવાણીએ આ સિરીઝ બનાવી હતી. સુસ્મિતાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સિરીઝનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવશે. સિરીઝમાં તે નીડર મહિલાના રોલમાં દેખાશે, જે પોતાના પરિવાર માટે કોઈ પણ હદ વટાવી શકે છે. શોની રિલીઝની તારીખ જાહેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શૅર કરતાં સુસ્મિતાએ કૅપ્શન આપી, શેરની કે લૌટને કા વક્ત આ ગયા હૈ.
આર્યન ખાનની સિરીઝમાં દેખાશે મોના સિંહ?
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન વેબ-સિરીઝ ‘સ્ટારડમ’ દ્વારા ડિરેક્શનમાં એન્ટ્રી કરી રહ્યો છે. આર્યને બિહાઇન્ડ ધ કૅમેરા રહેવાનો નિર્ણય લેતાં ડિરેક્શનમાં ઝંપલાવ્યું છે. ઇન્ડસ્ટ્રીના નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આર્યન આ સિરીઝમાં મોના સિંહને ડિરેક્ટ કરવાનો છે. એના માટે તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ સિરીઝ વિશે વધુ માહિતી નથી મળી શકી. આ સિરીઝમાં શાહરુખ, રણબીર કપૂર, રણવીર સિંહ, કરણ જોહર અને બૉબી દેઓલ પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ શોને શાહરુખનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ શો છ એપિસોડનો રહેશે. આ સિરીઝનો ફાઇનલ સેગમેન્ટ નરીમાન પૉઇન્ટ પર શૂટ કરવામાં આવશે. એ શેડ્યુલમાં એક અવૉર્ડ ફંક્શનનો સેટ ઊભો કરવામાં આવશે જેમાં સ્ટાર્સ પોતાની હાજરીથી ઇવેન્ટને ચમકાવી દેશે.