04 March, 2023 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળકો અને વાઇફને ઘરમાંથી બહાર કાઢ્યાં નવાઝુદ્દીન સિદ્દીકીએ
નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની વાઇફ આલિયા સિદ્દીકી અને બાળકોને અડધી રાતે ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં છે. તેના મકાનની બહાર ઊભાં રહીને આલિયાએ એક વિડિયો બનાવ્યો છે. તેની દીકરી શોરા ધ્રુસકે-ધ્રુસકે રડી રહી છે અને નાનો દીકરો યાની પણ તેની સાથે ઊભો છે. એ વિડિયોમાં આલિયા કહી રહી છે કે ‘હું હમણાં જ નવાઝુદ્દીનના ઘરેથી આવી છું. મારી દીકરી ત્યાં ઊભી રહીને રડી રહી છે. અમને બંગલોમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. મારી પાસે ઘર પણ નથી. મને સમજમાં નથી આવતું કે હું બાળકોને લઈને ક્યાં જાઉં. શું આવા પ્રકારનું વર્તન નવાઝને શોભા દે છે? જેને બાળકોની પણ દયા નથી આવતી તેને હું કદી માફ નહીં કરી શકું. રાતના બાર વાગી રહ્યા છે અને હું મારાં બાળકોને લઈને રસ્તા પર ઊભી છું.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી કે ‘નવાઝુદ્દીન સિદ્દીકીની આ વાસ્તવિકતા છે કે તેણે પોતાનાં નિર્દોષ બાળકોને પણ નથી છોડ્યાં. ચાળીસ દિવસ તેના ઘરમાં રહ્યા બાદ મને જ્યારે વર્સોવા પોલીસ સ્ટેશનમાં જલદી બોલાવવામાં આવી હતી અને હું જ્યારે મારાં બાળકો સાથે પાછી આવી તો નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘરની બહાર અનેક ગાર્ડ્સને ઊભા રાખી દીધા, જેથી હું મકાનમાં પ્રવેશી ન શકું. આ વ્યક્તિએ મને મારાં બાળકો સાથે રસ્તા પર છોડી દીધી છે. મારી દીકરીને વિશ્વાસ નથી બેસતો કે તેનો પિતા તેની સાથે આવું કરી શકે છે. તે રસ્તા પર બેફામ રડી રહી છે. જોકે અમારા સંબંધી અમને તેમના ઘરે લઈ ગયા. આવી માનસિકતા, મારાં બાળકો સાથે અમને ઘરની બહાર કાઢી મૂકવા જેવું નિર્દય પગલું અને અમને રસ્તા પર લાવવાં એ દેખાડે છે કે નવાઝુદ્દીન સિદ્દીકી કેટલી નીચલી કક્ષાનો માણસ છે. વિડિયો શૅર કરીને એ માણસની વાસ્તવિકતા હું દેખાડવા માગું છું. હવે તમારી પીઆર એજન્સી અને ખોટી માહિતીઓ મીડિયામાં ફેલાવવામાં આવશે. એ ખરેખર મજાકની વાત છે કે જેમને તમે અપૉઇન્ટ કર્યા અને જેમને તમે સૅલેરી આપો છો એ જ લોકો તમને તમારા ઘરમાં પ્રવેશવા દેતા નથી. નવાઝુદ્દીન સિદ્દીકી, તું મને અને મારાં બાળકોને તોડી શકીશ નહીં. હું એવા દેશની નાગરિક છું જ્યાં ન્યાય થાય છે અને મને પણ ન્યાય જલદી મળી જશે.’