07 May, 2021 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
નેશનલ એવૉર્ડ વિજેતા જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર વનરાજ ભાટિયાનું 93 વર્ષની ઉંમરે મુંબઇમાં નિધન થયું છે. વનરાજ ભાટિયાએ પોતાના કરિઅરમાં 7 હજારથી વધારે જાહેરાતો સહિત ઘણી જાણીતી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં સંગીત આપ્યું હતું.
બૉલિવૂડની અનેક જાણીતી ફિલ્મો, ટીવી સીરિયલ અને જાહેરાતોને મ્યૂઝિક આપી ચૂકેલા નેશનલ એવૉર્ડ વિનિંગ મ્યૂઝિક ડિરેક્ટર વનરાજ ભાટિયાનું શુક્રવારે મુંબઇમાં નિધન થઈ ગયું. વનરાજ 93 વર્ષના હતા અને છેલ્લા ઘણાં સમયથી વૃદ્ધત્વને કારણે બીમારીઓથી જજૂમી રહ્યા હતા. વનરાજ હાલ એકલા પોતાના હાઉસ હેલ્પ સાથે મુંબઇમાં રહેતા હતા.
31 મે 1927માં જન્મેલા વનરાજ ભાટિયાએ મ્યૂઝિકની સ્ટડી લંડનના રૉયલ એકેડમી ઑફ મ્યૂઝિક દ્વારા કરી હતી. વર્ષ 1959માં તે ભારત પાછા આવ્યા અને પછી તેમણે આ જ કામ કરવાનું શરૂ કર્યું. તેના પછી તેમણે 1972માં શ્યામ બેનેગલની ફિલ્મ `અંકુર` માટે બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક આપ્યું. તેના પછી તેમણે શ્યામ બેનેગલ સાથે ભૂમિકા, સરદારી બેગમ અને હરી-ભરી જેવી 16 ફિલ્મોમાં કામ કર્યું.
વનરાજને વેસ્ટર્નની સાથે જ ભારતીય સંગીતની પણ ઊંડી સમજ હતી. તેમણે લગભગ 7 હજાર જાહેરાતોના જિંગલને મ્યૂઝિક આપ્યું હતું. તેમણે જાને ભી દો યારો, પેસ્ટૉનજી, તરંગ, પર્સી, દ્રોહ કાલ જેવી ફિલ્મોમાં મ્યૂઝિક આપવા સિવાય અજૂબા, બેટા, દામિની, ઘાતક, પરદેસ, ચમેલી જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ આપ્યું હતું. આ સિવાય વનરાજે ખાનદાન, તમસ, વાગ્લે કી દુનિયા, નકાબ, લાઇફલાઇન, ભારત-એક ખોજ અને બનેગી અપની બાત જેવી ટીવી સીરિયલોને પણ મ્યૂઝિક આપ્યું.
વનરાજ ભાટિયાને ગોવિંદ નિહલાનીની `તમસ` માટે નેશનલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. આસિવાય તેમને 1989માં સંગીત નાટક અકેડમી અવૉર્ડ અને 2012માં પદ્મ શ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા.