23 July, 2021 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાલક્રૃષ્ણ
તેલુગુ સ્ટાર અને એમ. એલ. એ. નંદામુરી બાલકૃષ્ણએ ભારત રત્ન અને એ. આર. રહમાન વિશે વાંધાજનક ટિપ્પણી કરતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી છે. બાલકૃષ્ણ ઍક્ટર અને પૉલિટિશ્યન એન. ટી. રામારાવના દીકરા છે. બાલકૃષ્ણએ કરેલા સવાલ પર સોશ્યલ મીડિયામાં #whoisbalakrishna ટ્રેન્ડ થવા લાગ્યું હતું. એ. આર. રહમાનના ફૅન્સે સવાલ કર્યા હતા કે સિનિયર ઍક્ટર આવી રીતે સવાલ કઈ રીતે કરી શકે. ૧૯૯૩માં બાલકૃષ્ણની ‘નિપ્પુ રાવા’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એ. આર. રહમાને કમ્પોઝ કર્યું હતું. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં નંદામુરી બાલકૃષ્ણએ કહ્યું હતું કે ‘એ. આર. રહમાન કોણ છે એ હું નથી જાણતો. તેણે ઑસ્કર અવૉર્ડ પણ જીત્યો છે અને મને જ ખબર નથી. તે એક દાયકામાં એક હિટ આપે છે. ભારત રત્નની વાત કરું તો એ મારા પિતાના પગના નખ સમાન છે. મારી ફૅમિલીએ ટોલીવુડમાં જે યોગદાન આપ્યું છે એની સરખામણીએ કોઈ અવૉર્ડ ન આવી શકે. એથી અવૉર્ડ્સને ખરાબ લાગવું જોઈએ, ન કે મારી ફૅમિલીને કે મારા પિતાને.’ આ સ્ટેટમેન્ટને લઈને સોશ્યલ મીડિયામાં તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો પણ હવે સવાલ કરી રહ્યા છે કે બાલકૃષ્ણ કોણ છે.