અઢી વર્ષના દીકરાના મૃત્યુ બાદ દિવસની ૬૦ સિગારેટ પીતો હતો નાના પાટેકર

01 July, 2024 06:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરાને યાદ કરતાં નાના પાટેકર કહે છે, ‘મારા મોટા દીકરાને એક આંખે ઓછું દેખાતું હતું.

નાના પાટેકર

નાના પાટેકરે પર્સનલ લાઇફને લઈને જૂની વાતો વાગોળી હતી. તેના અઢી વર્ષના દીકરાના અવસાન બાદ તે દિવસની ૬૦ સિગારેટ પીતો હતો. તેના દીકરાને જન્મથી જ એક આંખે ઓછું દેખાવાની તકલીફ હતી. તેનું નામ તેમણે દુર્વાસા રાખ્યું હતું. દીકરાને યાદ કરતાં નાના પાટેકર કહે છે, ‘મારા મોટા દીકરાને એક આંખે ઓછું દેખાતું હતું. હું જ્યારે તેની તરફ જોતો તો મારા મનમાં હંમેશાં એક જ સવાલ આવતો કે લોકો મારા વિશે શું વિચારશે કે મારો દીકરો આવો દેખાય છે. કલ્પના કરો કે હું કેટલો ભયાનક માણસ છું. મને મારા દીકરાની નહીં, પરંતુ મારી ચિંતા થતી હતી. અઢી વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું, પરંતુ તેણે મને ઘણું શીખવાડ્યું હતું. એ વખતે હું રડ્યો નહોતો. હું માત્ર ફિલ્મોમાં જ રડ્યો છું અને એ પણ પૈસા માટે. એ સમયે હું દિવસની ૬૦ સિગારેટ ફૂંકતો હતો. નહાતી વખતે પણ હું સિગારેટ પીતો હતો. એની ગંદી વાસને કારણે કોઈ મારી સાથે કારમાં પણ નહોતા બેસતા. મેં સિગારેટ ખૂબ સ્મોક કરી છે.’