17 December, 2022 09:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નોરા ફતેહી
નોરા ફતેહીનું કહેવું છે કે કોઈનો ગેરફાયદો ઉઠાવવાનું તેના પેરન્ટ્સે તેને નથી શીખવાડ્યું. નોરાનું નામ સુકેશ ચન્દ્રશેખરના બસો કરોડના મની લૉન્ડરિંગ કેસમાં સંડોવાયું છે. એને લઈને પ્રોફેશનલી તેને ઘણુંબધું વેઠવાનું આવી રહ્યું છે. નોરાએ જૅકલિન ફર્નાન્ડિસ વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. એને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર નોરાએ લખ્યું કે ‘મારા પેરન્ટ્સે મારો એવા પ્રકારે ઉછેર નથી કર્યો કે હું લોકોનો ગેરફાયદો ઉઠાવું. મારા ઇરાદાઓ હંમેશાં નેક હોય છે. આપણે બધા એકસમાન નથી.’
નોરા ફતેહીએ જણાવ્યું છે કે તેણે ડાન્સની કોઈ ખાસ ટ્રેઇનિંગ નથી લીધી. તે મલાઇકા અરોરાના શો ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’માં હાજર રહી હતી. આ શો ડિઝની+હૉટસ્ટાર પર સોમવારથી ગુરુવારે રાતે ૮ વાગ્યે દેખાડવામાં આવે છે. મલાઇકા તેના ગ્લૅમરસ, નીડર અને બિન્દાસ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. આ શોમાં તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ચર્ચા કરવામાં આવે છે. નોરા તેનાં ડાન્સ મૂવ્સને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. ડાન્સમાં કરીઅર બનાવવા વિશે નોરાએ કહ્યું કે ‘હું આ દેશમાં એક ઍક્ટ્રેસ, એક એન્ટરટેઇનર બનવા આવી હતી. મારી પાસે કામ નહોતું એટલે મેં ગીતોનું કામ કરવાનું શરૂ કર્યું. હું ટ્રેઇન્ડ ડાન્સર નથી. ડાન્સમાં તક વધારે હોવાથી મેં એટલું કહ્યું કે હું ડાન્સ કરી શકું છું અને એમાં હું સફળ રહી.’