06 December, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને જણાવ્યું છે કે તે લાઇફમાં સેટલ થાય એ અગાઉ આગામી ૩-૪ વર્ષ સુધી તે કામ કરે એવી તેની મમ્મીની ઇચ્છા છે. તેની આ વર્ષે રિલીઝ થયેલી ‘ભૂલભુલૈયા 2’થી તે લોકોનો ફેવરિટ બની ગયો છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની ક્રાઇમ-થ્રિલર ‘ફ્રેડી’ પણ લોકોને ખૂબ ગમી રહી છે. હાલની તારીખમાં કાર્તિક ફિલ્મમેકર્સની પહેલી પસંદ છે. એ વિશે કાર્તિકે કહ્યું કે ‘હું અનેક ફિલ્મમેકર્સની નંબર વન ચૉઇસ બની ગયો છું અને એ વસ્તુને હું આગળ પણ કાયમ રાખવા માગું છું. મારા આ શબ્દો કદાચ અહંકારથી ભરેલા લાગશે અથવા તો વધુપડતો આત્મવિશ્વાસુ લાગીશ, પરંતુ એ ચીજ મને પ્રોત્સાહન પણ આપે છે. હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે મારે નંબર વન ઍક્ટર બનવું છે. મારો ઉદ્દેશ એટલો જ છે કે ફિલ્મમેકર્સને એટલો ભરોસો બેસે કે મારા સિવાય અમુક રોલ કોઈ સારી રીતે ન કરી શકે. મારા સિવાય તેમને અન્ય કોઈ ઍક્ટર્સ ન દેખાય. મને લાગે છે કે એ સ્તર સુધી હું પહોંચી ચૂક્યો છું. આવતા વર્ષે પણ મારા સિવાય તેમની પાસે અન્ય કોઈ પર્યાય ન બચે.’
તે ૨૦૨૦માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંઠપુરમલો’ની હિન્દી રીમેક ‘શહઝાદા’માં દેખાવાનો છે. સાઉથની ફિલ્મો કરવાની ઇચ્છા હોવાનું જણાવતાં કાર્તિકે કહ્યું કે ‘હું કોઈ પણ ભાષામાં ફિલ્મ કરવા માટે રાજી છું, પરંતુ સાથે જ એ સ્ક્રિપ્ટ પર પણ આધાર રાખે છે. મને તેલુગુ અથવા તો તામિલ ફિલ્મો કરવી ગમશે.’
કામમાં બિઝી હોવાની સાથે કાર્તિકનું કહેવું છે કે તેની લાઇફમાં પ્રેમ માટે પણ સ્થાન છે. એ વિશે કાર્તિકે કહ્યું કે ‘મારી મમ્મીની ઇચ્છા છે કે હું સેટલ થાઉં એ અગાઉ આગામી ત્રણ-ચાર વર્ષો સુધી મારે ઘણું કામ કરવું જોઈએ. તે નથી ચાહતી કે કામ પરથી મારું ધ્યાન હટી જાય. હું પણ મારા કામ પર ધ્યાન આપી રહ્યો છું. એ વાતની ખુશી છે કે તેમના તરફથી હજી સુધી કોઈ પ્રેશર નથી આવ્યું. મારી લાઇફમાં પણ પ્રેમ માટે સ્થાન છે.’