06 February, 2024 06:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘મર્ડર મુબારક’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૫ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મને હોમી અડાજણિયાએ ડિરેક્ટ કરી છે અને દિનેશ વિજનના મેડોક ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં સસ્પેન્સ, કૉમેડી અને રોમૅન્સનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, કરિશ્મા કપૂર, વિજય વર્મા અને ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક મર્ડરની આસપાસ ફરે છે. એની ઝલક દેખાડતો એક વિડિયો સારાએ શૅર કર્યો છે, જેમાં પંકજ ત્રિપાઠી કહે છે કે ‘જે હત્યા કરે છે તેઓ કેવા દેખાય છે? ઉદાહરણ તરીકે સાઉથ દિલ્હીની કોઈ રાજકુમારી? કે પછી ચાંદની ચૌકનો ઘાતક પ્રેમી? જૂની ફિલ્મોની ડ્રીમ ગર્લ? કે પછી મોજીલી વિચિત્ર આર્ટિસ્ટ? અથવા તો તે જેની નસમાં શાહી લોહી વહી રહ્યું છે એ? કે ખતરનાક ગૉસિપ કરનાર? કે પછી હંમેશાં પાર્ટીમાં ધૂત રહેનાર? મોટા ભાગના હત્યારાઓ હત્યારા જેવા દેખાતા નથી. તેઓ આપણી જેમ જ સાધારણ સ્ત્રી-પુરુષ જેવા હોય છે. તેઓ કદાચ તમારી બાજુમાં જ બેસીને હસતા હશે. મનમાં ને મનમાં તેઓ હત્યા માટે પોતાને ‘મર્ડર મુબારક’ની શુભેચ્છા આપી રહ્યા હશે.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘ઇતને સારે કલરફુલ કિરદાર ઔર યે સબ આપકો બધાઈ દેને આયે હૈં - ‘મર્ડર મુબારક.’ આ ફિલ્મ નેટફ્લિક્સ પર ૧૫ માર્ચે રિલીઝ થશે.’