04 February, 2023 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ મુંબઈ કોર્ટે નોટિસ ઇશ્યુ કરી છે. તેની વાઇફ આલિયા સિદ્દીકીની ફરિયાદના આધારે આ નોટિસ બહાર પાડવામાં આવી છે. આલિયાને ઘરમાં નવાઝુદ્દીનની મમ્મી મેહરુન્નિસા અને તેના સિક્યૉરિટી ગાર્ડ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આલિયાને જમવાનું નથી આપવામાં આવતું અને સાથે જ તેને બાથરૂમમાં જવાની પણ પરમિશન નથી એટલું જ નહીં, નવાઝુદ્દીનની મમ્મીનું કહેવું છે કે આલિયા તેની વાઇફ નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતાં આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે ‘હું એ બધા પેપરને દાખલ કરવાનો છું જેમાં નવાઝે સ્વીકાર્યું છે કે આલિયા તેની કાયદેસરની વાઇફ છે, કારણ કે આ જ વસ્તુ તેણે બધે ઠેકાણે કહી છે. જો આ વાત સાચી હોય તો પછી મંજૂરી વગર ઘરમાં ઘૂસવાનો કેસ નથી બનતો. નવાઝુદ્દીનની મમ્મીએ આ કેસ આલિયા વિરુદ્ધ દાખલ કર્યો હતો. પત્નીને હસબન્ડના ઘરમાં પ્રવેશ કરવાનો પૂરો અધિકાર છે. સીસીટીવી કૅમેરા ગોઠવ્યા બાદ જાણવા મળ્યું છે કે બૉડીગાર્ડ્સ તેને બાથરૂમમાં જતાં અટકાવે છે. એથી નવાઝુદ્દીન વિરુદ્ધ કાં તો રેપનો કાં તો ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવશે, કારણ કે તેને જમવાનું નથી આપવામાં આવતું. મેન્ટલ, ફિઝિકલ અને ઇમોશનલ દુર્વ્યવહાર કરવામાં આવે છે. નવાઝુદ્દીન અને તેના મૅનેજરને મારી નોટિસ મળી છે, પરંતુ તેમને જવાબ આપવાની જરા પણ પરવા નથી.’