ઇલેક્શન કૅમ્પેનમાં પણ હું ઍક્ટિવ રહીશ : મિથુન

13 February, 2024 06:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં જ તેમણે આવું કહ્યું અને સાથે જ શૂટિંગ શરૂ કરવાની પણ વાત કહી

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં જ તેમણે કહ્યું કે તેઓ જલદી કામ શરૂ કરશે અને સાથે જ ઇલેક્શન કૅમ્પેનમાં પણ ભાગ લેશે. શનિવારે તે કલકત્તામાં ‘શાસ્ત્રી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને એ વખતે જ તેમની તબિયત ખરાબ થતાં તેમને મલ્ટિસ્પેશ્યલિટી અપોલો હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમને છાતીમાં દુખાવો થયો હતો અને એ વખતે હાજર ટીમ તેમને વહેલાસર હૉસ્પિટલમાં લઈ આવી હતી. ત્યાં તેમના એમઆરઆઇ અને જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલ પ્રશાસન મુજબ તેમને એક પ્રકારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જોકે તેઓ સભાન અવસ્થામાં હતા. તેમની તબિયતની જાણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને પોતાની કાળજી ન લેવા પર તેમને ઠપકો પણ આપ્યો હતો. ગઈ કાલે તેમને ડિસ્ચાર્જ મળી ગયો છે. પોતાની હેલ્થ વિશે જણાવતાં ૭૩ વર્ષના મિથુન ચક્રવર્તીએ કહ્યું કે ‘હું રાક્ષસની જેમ ખાતો હતો અને મને એની સજા મળી છે. હું દરેકને એક સલાહ આપવા માગું છું કે તમારી ડાયટ પર કન્ટ્રોલ કરો. ડાયાબિટીઝ હોય તેમને જણાવી દઉં કે સ્વીટ ન ખાવાથી કોઈ પ્રૉબ્લેમ નહીં થાય એવું નથી હોતું. તમારી ડાયટ પર કન્ટ્રોલ રાખવો રહ્યો.’

વેસ્ટ બેન્ગૉલના આવનારા લોકસભા ઇલેક્શનમાં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી કૅમ્પેન કરશે. આ વિશે વાત કરતાં મિથુને કહ્યું કે ‘વેસ્ટ બેન્ગૉલના ૪૨મા લોકસભા ઇલેક્શનને કોણ જોશે? હું જોઈશ. હું ભારતીય જનતા પાર્ટી સાથે ઍક્ટિવલી ભાગ લઈશ. જો મને કહેવામાં આવ્યું તો હું અન્ય રાજ્યમાં પણ જઈને કૅમ્પેન કરીશ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પ્રત્યે મને ખૂબ જ માન છે. આ પાર્ટીનો સમય આવી ગયો છે કે એ હવે એની ચરમસીમાએ પહોંચે.’

mithun chakraborty bharatiya janata party Lok Sabha Election 2024 entertainment news bollywood news bollywood buzz bollywood