31 March, 2022 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મીના કુમારી
વિતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારી (Meena Kumari)ની આજે પુણ્યતિથિ છે. જ્યારે મીના કુમારીનો જન્મ થયો ત્યારે તેમના પરિવારમાં કોઈ ઉજવણી નહોતી થઈ. મીના કુમારીના પિતાને પુત્રની અપેક્ષા હતી પરંતુ મીનાનો જન્મ થયો હતો. ૧ ઓગસ્ટ ૧૯૩૩ના રોજ મુંબઈમાં જન્મેલી મીના કુમારીનું ૩૯ વર્ષની વયે જ ૩૧ માર્ચ ૧૯૭૨ના રોજ મુંબઈમાં મૃત્યુ થયું હતું. આજે અભિનેત્રીની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો.
મીના કુમારીના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભિનેત્રીને નાની ઉંમરમાં જ નોકરી કરવાની શરુઆત કરવી પડી હતી. મીના કુમારી બાળપણમાં પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન માટે અભિનય કરીને પૈસા કમાતી હતી પણ બાદમાં તે તેનો શોખ બની ગયો. મીના કુમારીએ શાળામાં અભ્યાસ નહોતો કર્યો પરંતુ તેને ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. તેને કવિતાનો ખૂબ જ શોખ હતો. મીના કુમારી પ્રથમ વખત ૧૯૩૯માં દિગ્દર્શક વિજય ભટ્ટની ફિલ્મ ‘લેધરફેસ’માં બેબી મહેજબીન તરીકે જોવા મળી હતી. વર્ષ ૧૯૫૨માં આવેલી ફિલ્મ `બૈજુ બાવરા`એ મીના કુમારીને સફળતાના શિખરો સર કરાવ્યા હતા. આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી કે તે ૧૦૦ અઠવાડિયા સુધી થિયેટરમાં ચાલી હતી.
કમાલ સાહબ અમરોહી અને મીના કુમારીની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ હતી. થોડી મુલાકાતોમાં જ કમાલ સાહબ મીનાને દિલ આપી બેઠા હતા. તે મીના સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ મીના પહેલેથી જ પરિણીત હોવાથી કમાલે ગુપ્ત રીતે તેની સાથે લગ્ન કરી લીધા હતા. અભિનેત્રી કમાલના ઘરે પણ રહેવા લાગી હતી. જો કે, એક દાયકા પછી, તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.
એવું કહેવાય છે કે, કમાલ અમરોહી મીના વિશે ખૂબ જ પઝેસિવ હતા. મીના કુમારીના મેક-અપ રૂમમાં કોઈપણ પુરૂષના પ્રવેશ પર સખત પ્રતિબંધ હતો. તેમણે મીના કામરી માટે એક અસિસટન્ટ રાખ્યો હતો જે તેના પર દરેક ક્ષણ નજર રાખતો હતો. એક દિવસ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને કમાલે મીનાને ટ્રિપલ તલાક આપી દીધા. મીના કમાલનું ઘર છોડીને નીકળી ગઈ. ત્યારબાદ મીના કુમારીનું નામ ધર્મેન્દ્ર સાથે જોડાયું હતું.
કમાલ અમરોહી અને મીના કુમારી ભલે પતિ અને પત્ની તરીકે અલગ થઈ ગયા હતા પરંતુ અભિનેત્રી તરીકે તે હંમેશા કમાલ અમરોહીની ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર રહેતી.
મીનાનું જીવન ખૂબ જ પીડાદાયક હતું, જેના કારણે તે ટ્રેજેડી ક્વીન તરીકે ઓળખાવા લાગી. `પાકીઝા` રિલીઝ થયાના ત્રણ અઠવાડિયા પછી મીના કુમારી ગંભીર રીતે બીમાર પડી. તે તેના જીવનમાં એટલી એકલી પડી ગઈ હતી કે તેણે દારૂનો આશરો લીધો. ધીમે ધીમે તેને દારૂની લત લાગી ગઈ. વધુ પડતો દારુ પીવાના કારણે તેને લિવર સિરોસિસની બિમારી થઈ હતી. કહેવાય છે કે, જીવનના છેલ્લા દિવસોમાં પણ તે દવાઓને બદલે દારૂ પીતી હતી. જ્યારે મીના કુમારી ખૂબ જ બીમાર હતી, ત્યારે ધર્મેન્દ્ર પણ એવા કેટલાક ફિલ્મી મિત્રોમાંના એક હતા જેઓ અંત સુધી તેને મળવા આવતા હતા. આખરે ૩૧ માર્ચ ૧૯૭૨ના રોજ તેમનું અવસાન થયું હતું.
મીના કુમારી આકાશનો તે તારો હતો જેને સ્પર્શ કરવા દરેક જણ આતુર હતા. તે તેના સમયની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ હતી. મીના કુમારી હિન્દી સિનેમામાં તેના સમયની જાણીતી અભિનેત્રી હતી જેણે પોતાની સફળતાનો અજોડ ઈતિહાસ રચ્યો હતો. ફિલ્મોમાં સંબંધોના જોડામાં બંધાયેલી અભિનેત્રી અંગત જીવનમાં હંમેશા હૂંફ ઝંખતી રહી હતી.