25 February, 2024 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુમાર સાહની (તસવીર: એક્સ)
Kumar Shahani Passes Away: ફિલ્મ નિર્માતા કુમાર સાહનીનું 83 વર્ષની વયે નિધન થયું છે. કુમાર સાહનીના નજીકના મિત્ર અને અભિનેત્રી મીતા વશિષ્ઠે જણાવ્યું કે, દિગ્દર્શકનું ગઈકાલે રાત્રે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ કોલકાતાની હોસ્પિટલમાં અવસાન (kumar shahani passes away) થયું છે.
`વાર વાર વારી`, `ખ્યાલ ગાથા` અને `કસ્બા`માં દિગ્દર્શક સાથે કામ કરી ચૂકેલા મીતા વશિષ્ઠે કહ્યું, `વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે કોલકાતાની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તે બીમાર હતા અને તેની તબિયત પણ બગડી રહી હતી. આ એક મોટું વ્યક્તિગત નુકસાન છે.” અભિનેત્રીએ ઉમેર્યુ કે,`અમે તેના પરિવારના સંપર્કમાં હતા. કુમાર અને હું ઘણી વાતો કરતા હતા અને મને ખબર હતી કે તે બીમાર છે અને તે સારવાર અર્થે હોસ્પિટલ જતા રહેતા હતાં.`
કુમાર સાહનીની ફિલ્મો
ભારતીય સમાંતર સિનેમાનું મોટું નામ કુમાર સાહનીના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. કુમાર સાહનીએ `માયા દર્પણ`, `ચાર અધ્યાય` અને `કસ્બા` જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
કુમાર સાહનીનો જન્મ 1940માં અવિભાજિત ભારતમાં સિંધના લરકાનામાં થયો હતો. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ સાહનીનો પરિવાર મુંબઈ આવ્યો હતો. સાહનીના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે. સાહનીએ ભારતીય સમાંતર સિનેમાના અન્ય મોટા વ્યક્તિત્વ મણિ કૌલ સાથે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ખાતે અભ્યાસ કર્યો હતો.
કુમાર સાહનીની ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે
કુમાર સાહનીએ વર્ષ 1972માં હિન્દી લેખક નિર્મલ વર્માની ટૂંકી વાર્તા પર આધારિત ફિલ્મ `માયા દર્પણ`થી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ સામંતશાહી ભારતમાં એક મહિલાની આસપાસ ફરે છે જે તેના પ્રેમી અને તેના પિતાના સન્માનની રક્ષા કરે છે. આ ફિલ્મને હિન્દીમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે `દંગલ’માં બબીતા ફોગાટના બાળપણના રોલમાં જોવા મળેલી સુહાની ભટનાગરના અવસાન બાદ તેના પરિવારને મળવા આમિર ખાન ગયો હતો. એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ફિલ્મમાં સુહાનીએ આમિરની દીકરીનો રોલ કર્યો હતો. ૧૯ વર્ષની સુહાની ઘણા વખતથી બીમાર હતી અને થોડા સમય પહેલાં જ તેણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. તેને ડર્મેટોમાયોસાઇટિસ નામની બીમારી થઈ હતી, જેની માહિતી તેના અવસાનના થોડા દિવસ અગાઉ જ મળી હતી. તેના અવસાનના સમાચાર મળતાં સૌ દુખી થઈ ગયા હતા. આમિર ફરીદાબાદ જઈને તેની ફૅમિલીને મળ્યો હતો.