07 February, 2023 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉક્યુ-સિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ`
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સને બૉલીવુડ શબ્દ નથી પસંદ. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૪ ફેબ્રુઆરીએ ડૉક્યુ-સિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ’ સ્ટ્રીમ થવાની છે. યશ ચોપડાની લાઇફ પર આ સિરીઝ બનાવવામાં આવી છે, જેમાં ઘણી સેલિબ્રિટીઝે ઇન્ટરવ્યુ આપ્યા છે. આમિર ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, સલીમ ખાન, રાની મુખરજી, હૃતિક રોશન, અનુષ્કા શર્મા અને રિશી કપૂર જેવી ઘણી હસ્તીઓ આ સિરીઝમાં વાત કરતી જોવા મળશે. યશ ચોપડાના દીકરા આદિત્ય ચોપડાએ પણ પહેલી વાર વિડિયો ઇન્ટરવ્યુ આપ્યો છે. આ સિરીઝને ઑસ્કર અને ઍમી નૉમિનેટેડ ફિલ્મમેકર સ્મૃતિ મુંધરાએ બનાવી છે. આ વિશે વાત કરતાં સ્મૃતિએ કહ્યું કે ‘મને એ જાણીને ખૂબ જ નવાઈ લાગી હતી કે ઇન્ડસ્ટ્રીની ઘણી વ્યક્તિઓને બૉલીવુડ શબ્દ પસંદ નથી. તમે નજીકથી એને જોશો તો ખબર પડશે કે એને નફરત કરવી યોગ્ય છે. એવું કોણ હશે જે એકદમ અલગ શબ્દથી પોતાને ઓળખાવવા માગતું હોય, ખાસ કરીને એવો શબ્દ જે અન્ય દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો હોય? હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અન્ય રીજનલ ઇન્ડસ્ટ્રી બનીને એક ઇન્ડિયન સિનેમા બને છે અને દરેક તેમની રીતે પોતાની ઓળખ બનાવવા સક્ષમ છે. આથી તેમને બૉલીવુડ શબ્દ પસંદ ન હોય એ સમજી શકાય છે.’