25 February, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનુષી છિલ્લર
માનુષી છિલ્લર તેની આગામી ફિલ્મ ‘ઑપરેશન વૅલેન્ટાઇન’માં રડાર ઑફિસરના રોલમાં જોવા મળી છે. પોતાના આ રોલ માટે તેણે ઍરફોર્સને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ પહેલી માર્ચે હિન્દી અને તેલુગુમાં રિલીઝ થવાની છે. એમાં સાઉથનો વરુણ તેજ પણ લીડ રોલમાં છે. પોતાના રોલ માટે કેવી તૈયારી કરી એ વિશે માનુષીએ કહ્યું કે ‘ફિલ્મ ‘ઑપરેશન વૅલેન્ટાઇન’ માટે મારે ઍરફોર્સની મૂળ બાબત સમજવાની હતી. રડાર ઑફિસર કેવી રીતે કામ કરે છે, તેમની બૉડી-લૅન્ગ્વેજ, તેમના અવાજની ટોનાલિટી અને તેઓ કમાન્ડ કઈ રીતે આપે છે એ સમજવું અગત્યનું હતું. આ બધી બાબતો પર મારે કામ કરવાનું હતું. અમે નસીબદાર છીએ કે ઍરફોર્સની ટીમ સેટ પર હાજર રહેતી હતી. એથી મને જ્યારે પણ વધુ માહિતીની જરૂર પડતી અથવા તો રડાર ઑફિસરની કેટલીક બાબતોને જાણવાની જરૂર પડતી તો તેઓ હંમેશાં માર્ગદર્શન આપતા હતા. એથી મને ઘણુંબધું શીખવા મળ્યું હતું. રડાર ઑફિસર કેવી રીતે કામ કરે છે એની સાથે મને ઍરફોર્સમાં શું થાય છે એ પણ શીખવા મળ્યું હતું. મારા માટે એ એકદમ નવું જગત હતું. હું બાળપણથી ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનથી ઘેરાયેલી હતી. એથી મને થોડીઘણી માહિતી હતી, પરંતુ આ ફિલ્મ માટે તો મને ઊંડાણપૂર્વક જાણવા મળ્યું છે.’