09 May, 2023 02:25 PM IST | Mumbai | Hiren Kotwani
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ તેની આગામી ફિલ્મ ‘બંદા’માં ગૉડમૅન વિરુદ્ધ અવાજ ઊંચો કરીને ન્યાય અપાવવા તરફ પોતાની ફરજ દેખાડશે. આ ફિલ્મ ZEE 5 પર ૨૩ મેએ રિલીઝ થશે. ફિલ્મમાં વકીલ પૂનમચંદ સોલંકીના રોલમાં મનોજ બાજપાઈ દેખાશે. આ ફિલ્મ માટે ૬ મહિનાનું રિસર્ચ કરવામાં આવ્યું છે અને ૧૮ ડ્રાફ્ટ્સ લખવામાં આવ્યા છે. આ ફિલ્મની સ્ટોરી ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતી ૧૬ વર્ષની યુવતી સાથે આસારામ બાપુએ કરેલા રેપની ઘટનાને દેખાડશે. ૨૦૧૩માં તેના આશ્રમમાં તેણે આ દુષ્કર્મ કર્યું હતું. ૨૦૧૩માં આસારામ સામે દાખલ ચાર્જશીટથી માંડીને ૨૦૧૮માં આરોપ સિદ્ધ થતા સુધી તમામ ઘટનાઓ પર ZEE 5એ ચાંપતી નજર રાખી હતી. ક્રીએટિવ પ્રોડ્યુસર સુપર્ણ વર્માએ એ યુવતીની હિમ્મતને દાદ આપતાં ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. એ વિશે સુપર્ણ વર્માએ કહ્યું કે ‘તે યુવતીની હિમ્મતે તે વકીલને દેશના દિગ્ગજ વકીલોની સામે ઊભા રહેવાનું સાહસ આપ્યું. ભારતમાં આપણી સિસ્ટમમાં અનેક ગુરુઓ અને જ્ઞાનીઓ છે, પરંતુ જ્યારે આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવે તો તકલીફ થાય છે.’
આ ફિલ્મમાં વકીલના રોલ માટે મનોજ બાજપાઈને અપ્રોચ કરવામાં આવ્યો હતો. એ વિશે સુપર્ણએ કહ્યું કે ‘મનોજ હંમેશાં કોઈ પણ ફિલ્મને હા કહેવામાં થોડા દિવસો કાં તો અઠવાડિયું લગાવે છે, પરંતુ અમે શું બનાવવા માગીએ છીએ એ જાણ્યા બાદ તો તેણે તરત જ હા પાડી દીધી હતી. આ પાવરફુલ સ્ટોરી છે, જે કહેવી જરૂરી છે. સાથે જ મનોજ પણ એક દીકરીનો પિતા છે.’
આસારામનો જ્યારે કેસ ચાલી રહ્યો હતો ત્યારે સાક્ષીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ધમકાવવામાં આવતા હતા. એ વિશે સુપર્ણ વર્માએ કહ્યું કે ‘પૂનમચંદ સોલંકી શાંત વ્યક્તિ છે. આસારામ પર જ્યારે આરોપ સિદ્ધ થવાના હતા ત્યારે પૂનમચંદ સોલંકી સાથે મુલાકાત કર્યા બાદ અમે સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું અને ૧૮ ડ્રાફ્ટ્સ લખ્યા હતા. મનોજે એ લડાઈમાં પૂરી રીતે એ વકીલના વિચારોને અને તેના દૃઢ વિશ્વાસને આત્મસાત કર્યો છે. સોલંકીની જર્ની અનોખી છે, કારણ કે તેની ફાઇટ સિસ્ટમ વિરુદ્ધ નહોતી. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે તેણે પાવર વિરુદ્ધ સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કર્યો છે. જુડિશ્યરી, સરકાર અને પોલીસ ન્યાય અપાવવા માટે કામ કરવા લાગી. મુખ્યત્વે તો તેણે સિસ્ટમને કામ કરતી કરી હતી.’