13 May, 2024 06:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષા કોઇરાલા
હવે મનીષા કોઇરાલાનો મમ્મી બનવાનો કોઈ ઇરાદો નથી. ગઈ કાલે મધર્સ ડે હોવાથી દરેક જણ પોતપોતાની મમ્મીઓને વિશ કરી રહ્યા હતા. જોકે બીજી તરફ મનીષાએ મમ્મી ન બની શકવાનું દુઃખ શૅર કર્યું હતું. મનીષા ૫૩ વર્ષની છે અને તેને ઓવેરિઅન કૅન્સર થયું હતું, જેથી તે મમ્મી નહોતી બની શકી. જોકે કૅન્સરને તો તેણે માત આપી છે, પરંતુ હવે તે મમ્મી નથી બની શકવાની. એ સંદર્ભે મનીષા કહે છે, ‘મારી લાઇફમાં કેટલીક વસ્તુઓ અપૂરતી છે. તમારી ઉંમર વધતી જાય એમ તમે એનો સ્વીકાર કરતા થઈ જાઓ છો. તમે તમારી રિયલિટીને સ્વીકારી લો છે. તમારાં કેટલાંક એવાં સપનાં હોય છે જે કોઈ દિવસ પૂરાં નહીં થાય અને એથી જ એનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. મમ્મી ન બની શકવું મારી રિયલિટી છે. લાઇફમાં જે થયું એ થઈ ગયું એમ કરીને મારી પાસે જે છે એને મહત્ત્વ આપીને હું આગળ વધી છું. હું બેબી અડૉપ્ટ કરવાનું વિચારી રહી હતી, પરંતુ હું તરત જ સ્ટ્રેસમાં આવી જાઉં છું અને અનકૉશિયસ થઈ જાઉં છું એથી મેં એ પ્લાન પડતો મૂક્યો હતો. મેં એ પણ સ્વીકારી લીધું છે. હું ફક્ત કોઈની ગૉડમધર બની શકું છું.’