01 November, 2021 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કૌશલનો શો રિલીઝ થવાનો હોવાથી ઇમોશનલ થઈ મંદિરા બેદી
મંદિરા બેદીના હસબન્ડ રાજ કૌશલની વેબ-સિરીઝ ‘અક્કડ બક્કડ રફુચક્કર’ રિલીઝને આરે છે. એવામાં મંદિરા ઇમોશનલ થઈ છે. આ શો ૩ નવેમ્બરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાનો છે. ૧૦ પાર્ટની આ સિરીઝને મંદિરાએ કો-પ્રોડ્યુસ કરી છે. શોની સ્ટોરી બે ફ્રેન્ડ્સની છે જે બનાવટી બૅન્ક ચલાવે છે. શોનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. શોમાં વિકી અરોરા, અનુજ રામપાલ, સ્વાતિ સેમવાલ, મોહન અગાશે, શિશિર શર્મા, મનીષ ચૌધરી અને સુધાંશુ પાન્ડે લીડ રોલમાં જોવા મળશે. વેબ-સિરીઝ રિલીઝને આરે છે. એવામાં રાજને યાદ કરતાં મંદિરાએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું અને રાજે જે શો દિલથી બનાવ્યો હતો એને લઈને અતિશય ઇમોશનલ છું. તેણે કરેલી મહેનત છેવટે હવે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. ‘અક્કડ બક્કડ રફુચક્કર’ માટે તેનું સમર્પણ અને દીવાનગી આ શોમાં દેખાશે. આ શો તેના દિલની ખૂબ નજીક હતો. હું આખી ટીમનો આભાર માનું છું કે તેમણે આ શો બનાવવા માટે સખત મહેનત કરી હતી. જે રીતે રાજે અને તેની ટીમે શો બનાવતી વખતે એન્જૉય કર્યું હતું એ રીતે દર્શકો પણ એને માણશે એવી મને આશા છે.’