11 March, 2024 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા, અરબાઝ ખાન
મલાઇકા અરોરાને મોંઘા આઉટફિટમાં જોઈને લોકોને એવી ધારણા હતી કે અરબાઝ ખાન સાથે ડિવૉર્સ બાદ તેને ભારે રકમ ઍલિમની પેટે મળી હશે. ૧૯૯૮માં અરબાઝ અને મલાઇકાનાં લગ્ન થયાં હતાં. તેમને અરહાન ખાન નામનો એક દીકરો છે. ૨૦૧૭માં બન્નેએ ડિવૉર્સ લઈ લીધા હતા. તેમના ડિવૉર્સથી સૌકોઈ ચોંકી ગયા હતા. ગયા વર્ષે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે અરબાઝે લગ્ન કર્યાં હતાં. તેણે જલદી લગ્ન શું કામ કર્યાં એવું પૂછવામાં આવતાં મલાઇકાએ કહ્યું કે ‘મારો ઉછેર એવા પરિવારમાં નથી થયો કે જ્યાં મને એમ કહેવામાં આવે કે તારે આટલી ઉંમરે લગ્ન કરવાનાં છે. મને મારા પરિવારે મુક્ત થઈને લાઇફ જીવવા અને એન્જૉય કરવા માટે કહ્યું હતું. જોકે મારા દિમાગમાં શું આવ્યું કે મેં કહ્યું કે ૨૨-૨૩ વર્ષની ઉંમરે મારે લગ્ન કરવાં છે. મારા પર કોઈએ દબાણ નહોતું નાખ્યું. આ મારો ફેંસલો હતો, કેમ કે એ વખતે મારા માટે આ બેસ્ટ ઑપ્શન હતો.’
અરબાઝ સાથે ડિવૉર્સ વિશે મલાઇકાએ કહ્યું કે ‘મેં જ્યારે ડિવૉર્સ લેવાનો નિર્ણય લીધો ત્યારે મને નહોતું લાગતું કે ઇન્ડસ્ટ્રીની વધુ મહિલાઓ ડિવૉર્સ લેતી હોય અને આગળ વધતી હોય. એ વખતે મને લાગ્યું કે મારા પર્સનલ ગ્રોથ માટે મારે અંદરથી ખુશ રહેવું જરૂરી છે.’
છૂટા પડ્યા બાદ ઍલિમનીની ભારે રકમ તેને મળી હોવાનું કહેવામાં આવતું હતું. એ વિશે મલાઇકાએ કહ્યું કે ‘જ્યારે કોઈએ મારા આઉટફિટની કિંમત પર આર્ટિકલ લખ્યો ત્યારે એના પર ખૂબ ખરાબ કમેન્ટ્સ આવવા માંડી હતી. એમાં લખ્યું હતું કે મલાઇકાને આટલાં મોંઘાં કપડાં પોસાય છે, કેમ કે તેને અરબાઝ પાસેથી ઍલિમનીની ભારે રકમ મળી છે. આ વાંચીને હું ચોંકી ગઈ હતી.’