હું થાકી ગયો છું

12 September, 2024 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુત્રી અમ્રિતાને ફોન કરીને આવું કહ્યા બાદ અનિલ મહેતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું હોવાની શક્યતા : પપ્પાના મૃત્યુના સમાચાર સાંભળીને મલાઇકા પુણેથી મુંબઈ આવી : આજે સાંતાક્રુઝ સ્મશાનભૂમિમાં થશે અંતિમ સંસ્કાર

બાંદરામાં આયેશા મનોર બિલ્ડિંગમાં અનિલ મહેતાએ સુસાઇડ કર્યા બાદ ઘટનાસ્થળે તપાસ કરી રહેલા ફૉરેન્સિક વિભાગના અધિકારીઓ (તસવીર : અનુરાગ અહિરે)

બૉલીવુડની અભિનેત્રી મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાએ ગઈ કાલે તેમના બાંદરા-વેસ્ટમાં આવેલા આયેશા મનોર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર આવ્યા બાદ બૉલીવુડમાં શોક છવાઈ ગયો હતો. આ ઘટના સમયે મલાઇકાનાં મમ્મી જોઇસ પૉલીકાર્પ બાજુના ફ્લૅટમાં જ હતાં અને મલાઇકા પુણે હતી. પિતાના અવસાનની જાણ થતાં તે તરત જ મુંબઈ આવી પહોંચી હતી. થોડા સમય પછી અમ્રિતા પણ તેના પતિ સાથે આવી પહોંચી હતી. મલાઇકા અરોરાના પિતાનું અવસાન થયું હોવાનું જાણ્યા બાદ મલાઇકાનો ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન, ભૂતપૂર્વ સસરા સલીમ ખાન, સાસુ સલમા ખાન, પુત્ર અરહાન ખાન, હેલન તેમ જ અર્જુન કપૂર આયેશા મનોર બિલ્ડિંગમાં પહોંચી ગયાં હતાં. બાંદરા પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે અનિલ મહેતાએ મોતની છલાંગ લગાવતાં પહેલાં તેમની નાની પુત્રી અમ્રિતાને ફોન કરીને ‘હું થાકી ગયો છું’ કહ્યું હતું. અનિલ મહેતાને ગયા વર્ષે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા, પણ તેમને શું થયું હતું એ બહાર પાડવામાં નહોતું આવ્યું.

બાંદરા પોલીસને ગઈ કાલે સવારના નવેક વાગ્યે આયેશા મનોર બિલ્ડિંગમાં કોઈક પડી ગયું હોવાની જાણ કરાયા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં લોહીલુહાણ હાલતમાં પડેલા અનિલ મહેતાને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ હતી. જોકે ડૉક્ટરોએ તેમને ઍડ્મિટ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યા હતા. બાદમાં અનિલ મહેતાના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યો હતો.

જીવ ગુમાવનાર અનિલ મહેતા મૉડલ-કમ-અભિનેત્રી મલાઇકા અરોરાના પિતા હતા અને તેઓ આયેશા મનોર બિલ્ડિંગના છઠ્ઠા માળે ભૂતપૂર્વ પત્ની જોઇસ પૉલીકાર્પના બાજુના ફ્લૅટમાં એકલા રહેતા હોવાની જાણ થતાં પોલીસની ટીમે ઘટનાસ્થળનું અને ઘરનું પંચનામું કર્યું હતું.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે અનિલ મહેતાનો મોબાઇલ ફોન ચેક કર્યો હતો, જેમાં તેમણે છેલ્લો કૉલ તેમની નાની પુત્રી અમ્રિતાને કર્યો હોવાનું જણાયું હતું. અમ્રિતા અનિલ મહેતાની ખૂબ નજીક હતી એટલે તેને કૉલ કરીને ‘હું થાકી ગયો છું’ કહ્યું હતું. દરરોજ સવારના નિયમ મુજબ અનિલ મહેતા તેમના ઘરની બાજુના ફ્લૅટમાં રહેતાં ભૂતપૂર્વ પત્ની જોઇસ પૉલીકાર્પના ઘરે જઈને અખબાર લેતા અને પોતાના ફ્લૅટની ગૅલરીમાં બેસીને વાંચતા. તેઓ આજે બાજુના ફ્લૅટમાં ન્યુઝપેપર લેવા નહોતા ગયા. પોલીસ પંચનામું કરવા તેમના ફ્લૅટમાં ગઈ ત્યારે ગૅલરીમાં તેમના સ્લિપર જોવા મળ્યાં હતાં.

મલાઇકા ૧૧ વર્ષની હતી ત્યારે તેનાં મમ્મી-પપ્પાના ડિવૉર્સ થયા હતા. ત્યાર બાદ તે મમ્મી સાથે ચેમ્બુર રહેતી હતી. આજે સાંતાક્રુઝ સ્મશાનભૂમિમાં અનિલ મહેતાના અંતિમ સંસ્કાર થશે.

સુસાઇડ જ લાગે છે : પોલીસ

બાંદરા વિભાગના ડેપ્યુટી પોલીસ-કમિશનર રાજતિલક રોશને મીડિયાને અનિલ મહેતાના મૃત્યુ વિશે માહિતી આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘ઊંચાઈએથી પડવાને લીધે અનિલ મહેતાનું મૃત્યુ થયું હોવાનું જણાયું છે. પ્રાથમિક રીતે તેમણે આત્મહત્યા કરી હોવાનું જણાઈ આવે છે. જોકે અમે તમામ ઍન્ગલથી તપાસ શરૂ કરી છે એટલે અત્યારે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.’

સાંત્વન આપવા બૉલીવુડ ઊમટ્યું

મલાઇકા અને અમ્રિતા અરોરાના પિતા અનિલ મહેતાના અવસાનના સમાચાર જાણ્યા બાદ આ બહેનોને સાંત્વન આપવા માટે અરબાઝ ખાન સહિતનો ખાન પરિવાર આયેશા મનોર બિલ્ડિંગમાં પહોંચ્યો હતો. આ ઉપરાંત કરીના કપૂર, સૈફ અલી ખાન, સોહેલ ખાનની ભૂતપૂર્વ પત્ની સીમા ખાન, અલવિરા અગ્નિહોત્રી, કિમ શર્મા, રિતેશ સિધવાણી, અનન્યા પાંડે, નેહા ધુપિયા, ડિનો મોરિયા, સોફી ચૌધરી, અદિતિ ગોવિત્રિકર, શિબાની દાંડેકર અને ચન્કી પાંડે સહિતના સિતારાઓ પહોંચ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

પપ્પા અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા : મલાઇકા અરોરા

પપ્પાના અવસાન બાદ મલાઇકા અરોરાએ ગઈ કાલે સાંજે પરિવાર વતી એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે ‘અમે બહુ દુખ સાથે જાહેર કરી રહ્યા છીએ કે અમારા ફાધર અનિલ મહેતા આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ જેન્ટલમૅન હતા, એક સારા પિતા હતા, એક પ્રેમાળ પતિ અને અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા. અત્યારે અમારો પરિવાર દુઃખમાં છે. આથી હું મીડિયા અને મારા શુભેચ્છકોને વિનંતી કરું છું કે અમારી પ્રાઇવસીનો ખ્યાલ રાખે. આ અમારા માટે મુશ્કેલીનો સમય છે.’

 

malaika arora amrita arora suicide bandra mumbai police entertainment news bollywood bollywood news