09 January, 2023 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભય દેઓલ
અભય દેઓલનું કહેવું છે કે આજના સમયમાં કોઈ વસ્તુનો ઇશ્યુ બનાવવો સરળ છે. આ વાત તેણે શાહરુખ ખાનની ‘પઠાન’ને લઈને ચાલી રહેલા વિવાદને લઈને કહી છે. આ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને વિવાદ વધી ગયો છે. એ ગીતમાં દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકિની પહેરી છે. એથી કેટલાંક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. વધતા મુદ્દાને જોતાં અભય દેઓલે કહ્યું કે ‘આ એવું નથી કે જેની કલ્પના ન કરી શકીએ. આજે તમે વિશ્વ તરફ નજર દોડાવશો તો એ પોલરાઇઝ્ડ બની ગયું છે. જો તમારે કોઈ વસ્તુનો મુદ્દો બનાવવો હોય તો તમે એ સરળતાથી કરી શકો છો. એ શક્ય છે. ઘણા લોકોએ અગાઉ પણ આવું કર્યું છે અને કરતા રહેશે. આપણે પોલરાઇઝ્ડ વિશ્વમાં રહીએ છીએ. મને લાગે છે કે સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીના માધ્યમથી માહિતી ઝડપથી ફેલાય છે. જોકે ક્યારેક ખોટી માહિતી પણ ફેલાય છે. બધી બાજુએ એમાં વિરોધાભાસ દેખાય છે પછી એ મીડિયા હોય કે એને જોનારા લોકો હોય. આ એક અસ્થિર સ્થાન છે. આ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે, પરંતુ એને બૅન કરવી અને કૅન્સલ કરવી એ કેટલી હદે યોગ્ય છે?’