16 November, 2022 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેશબાબુના પિતા ક્રિષ્નાનું નિધન
સાઉથના સુપરસ્ટાર અને મહેશબાબુના પિતા ક્રિષ્નાનું ગઈ કાલે હૈદરાબાદમાં મૃત્યુ થયું હતું. ૭૯ વર્ષની ઉંમરે તેમને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો અને એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. રવિવારે મધરાત બાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને જ્યારે હૉસ્ટિપલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા, પરંતુ CPR આપ્યાના ૨૦ મિનિટમાં તેમને ભાન આવી ગયું હતું. તેમણે હૈદરાબાદની કૉન્ટિનેન્ટલ હૉસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તેમનો દીકરો મહેશબાબુ અને તેમની ફૅમિલી પણ ત્યાં હાજર હતી. તેમણે તેમની પચાસ વર્ષની કરીઅરમાં ૩૫૦થી વધુ ફિલ્મો કરી હતી અને ઘણી ફિલ્મોને ડિરેક્ટ અને પ્રોડ્યુસ પણ કરી હતી. તેમનો જન્મ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં ૧૯૪૨ની ૩૧ મેના થયો હતો. તેમણે ૧૯૬૦ના દાયકામાં ફિલ્મોમાં નાનાં-નાનાં પાત્રો દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૫માં આવેલી ‘થેને મનશુલા’ દ્વારા લીડ ઍક્ટર તરીકે એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ક્રિષ્ના સ્વર્ગીય પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીની ખૂબ જ ક્લોઝ હતા એવું કહેવામાં આવે છે. તેમણે ૧૯૮૪માં કૉન્ગ્રેસ પાર્ટી જૉઇન કરી હતી. રાજીવ ગાંધીના ઍસેસિનેશન બાદ તેમણે પૉલિટિક્સથી અંતર બનાવી દીધું હતું. સિનેમામાં આપેલા તેમના યોગદાન બદલ તેમને ૨૦૦૯માં પદ્મ ભૂષણ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ
નરેન્દ્ર મોદીએ મહેશબાબુના પિતા ક્રિષ્નાના મૃત્યુ પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ગઈ કાલે વહેલી સવારે ૪ વાગીને દસ મિનિટે છેલ્લો શ્વાસ લીધો હતો. આ વિશે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘ક્રિષ્ના ગારુ એક લેજન્ડરી સુપરસ્ટાર હતા. તેમણે તેમની વર્સટાઇલ ઍક્ટિંગ અને પર્સનાલિટી દ્વારા લાખો લોકોનાં દિલ જીત્યાં હતાં. સિનેમા અને એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં તેમની ખોટ સાલશે. આ દુઃખના સમયમાં મહેશબાબુ અને તેની ફૅમિલી સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.’