09 August, 2023 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પૂજારીએ ‘ઓહ માય ગૉડ 2’ના મેકર્સને લીગલ નોટિસ મોકલી છે. સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાથી તેમણે મંદિરમાં જે દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું એને કાઢવા માટેની ડિમાન્ડ કરી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર ભગવાન શિવના દૂતનું પાત્ર ભજવી રહ્યો છે. પૂજારીએ આ નોટિસ સાથે મંગળવારે યોજાયેલી જન સુનાઈ દરમ્યાન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને મેમો પણ આપ્યો છે કે તેઓ આ ફિલ્મનું સ્ક્રીનિંગ તેમના જિલ્લામાં ન થવા દે. મહાકાલ મંદિરના પૂજારીએ કહ્યું કે ‘અમે પહેલેથી જ ‘ઓહ માય ગૉડ 2’નો વિરોધ કર્યો હતો, કારણ કે સોશ્યલ મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું હતું કે એમાં કેટલાંક અભદ્ર દૃશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમે વિરોધ કર્યો હતો અને અમે સફળ પણ રહ્યા છીએ. એમાં ૨૦ કટ સજેસ્ટ કરવામાં આવ્યા છે અને સેન્સરબોર્ડ દ્વારા એને ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અમે હવે એવી ડિમાન્ડ કરીએ છીએ કે મહાકાલ મંદિર, ભગવાન શિવ અને મહાકાલ મંદિરમાં જેટલાં દૃશ્યોનું શૂટ કરવામાં આવ્યું છે એને કાઢી નાખવામાં આવે. એ માટે અમે ફિલ્મના મેકર્સને લીગલ નોટિસ મોકલી છે. જો આ દૃશ્યન કાઢી નાખવામાં ન આવ્યાં તો અમે તેમની વિરુદ્ધ ક્રિમિનલ કેસ ફાઇલ કરીશું. અમે હાઈ કોર્ટના દરવાજા ખખડાવીશું અને ફિલ્મને ભારતભરમાં બૅન કરવામાં આવે એવી ડિમાન્ડ કરીશું.’
આ ફિલ્મ ૧૧ ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે એથી વકીલ અભિલાષ વ્યાસ દ્વારા ઑલ ઇન્ડિયા પૂજારી મહાસંઘ વતી તેમણે ફિલ્મના ડિરેક્ટર અમિત રાય, પ્રોડ્યુસર વિપુલ શાહ, ચંદ્રપ્રકાશ દ્વિવેદી અને અક્ષયકુમારને લીગલ નોટિસ મોકલી છે. તેણે સેન્સરબોર્ડના ચૅરમૅન પ્રશુન જોશીને પણ લીગલ નોટિસ મોકલી છે. મંદિરના પૂજારીએ કલેક્ટરને વિનંતી કરી છે કે ફિલ્મનું સ્ક્રીનિંગ જો તેમના જિલ્લામાં અટકાવવામાં ન આવે તો તેમના દ્વારા ફિલ્મ પર બૅન મૂકવામાં આવે.