મહાકુંભમાં પહેલીવાર યોજાયું ફિલ્મ સ્ક્રીનિંગ, `રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ`ને મળ્યો સારો પ્રતિસાદ

23 January, 2025 12:10 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

Maha Kumbh Mela 2025: એનિમેટેડ ફિલ્મ `રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ`નું આને મહાકુંભમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે

`રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ`નું પોસ્ટર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj)માં આયોજીત દિવ્ય મહાકુંભ મેળા ૨૦૨૫ (Maha Kumbh Mela 2025)માં ઘણી નવી પહેલ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, મહાકુંભ મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત, એનિમેટેડ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. એક ઐતિહાસિક પહેલમાં, ભારત-જાપાનીઝ એનિમેટેડ ફિલ્મ `રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ` (Ramayana: The Legend of Prince Rama)નું હિન્દી સંસ્કરણ મહાકુંભ મેળામાં દેખાડવામાં આવશે.

મહાકુંભમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. દેશ અને દુનિયાભરમાંથી લોકોનો ધસારો પ્રયાગરાજમાં આવ્યો છે. ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે ભક્તો ખૂબ જ ઉત્સુક છે. બોલિવૂડ પણ આના પર નજર રાખી રહ્યું છે. ફિલ્મ નિર્માતાઓ આ ભીડને એક તક તરીકે જોઈ રહ્યા છે. તાજેતરમાં, ફિલ્મ નિર્માતાઓના મનમાં મહાકુંભમાં આવેલા લોકોને એક અનોખો અનુભવ આપવાનો વિચાર આવ્યો છે. મહાકુંભમાં એક ખાસ ફિલ્મનું સ્ક્રીનિંગ ગોઠવવામાં આવ્યું છે. આ ફિલ્મ જોયા પછી, દર્શકો ભગવાન રામ પ્રત્યેની ભક્તિમાં ડૂબી જશે તે ચોક્કસ છે.

`રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ` તેના થિયેટર રિલીઝ પહેલા એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પ્રદર્શિત કરવામાં આવશે, જ્યાં શાળાના બાળકો અને ભક્તોને મહર્ષિ વાલ્મીકિના રામાયણ પર આધારિત ઇન્ડો-જાપાનીઝ એનિમેશનનું નવું 4K રિમાસ્ટર્ડ વર્ઝન બતાવવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાના બાળકોને જાપાની કલા દ્વારા જીવંત કરાયેલા ભારતીય મહાકાવ્ય રામાયણનો પરિચય કરાવવાનો છે. એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહેશે.

મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે, જે પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે. ૧૪૪ વર્ષ પછી યોજાઈ રહેલા આ મહાકુંભમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. દુનિયાભરમાંથી લાખો ભક્તો અહીં આવ્યા છે. હવે, આ ખાસ સ્ક્રીનિંગ મહાકુંભમાં આયોજિત થનારો આ પ્રકારનો પહેલો કાર્યક્રમ હશે, જે બુધવારે સવારે ૧૦ વાગ્યે પ્રયાગરાજના સેક્ટર ૬માં નેત્ર કુંભ નજીક દિવ્ય પ્રેમ સેવા કેમ્પમાં શરૂ થશે. `રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ` ૨૪ જાન્યુઆરી, ૨-૨૫ના રોજ સમગ્ર ભારતના સિનેમાઘરોમાં પ્રથમ વખત અલ્ટ્રા HD 4K માં રિલીઝ થશે. આ ફિલ્મમાં હિન્દી, તેલુગુ, તમિલ અને અંગ્રેજી વર્ઝનનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું થિયેટરમાં વિતરણ ગીક પિક્ચર્સ ઇન્ડિયા, એએ ફિલ્મ્સ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, કોઈચી સાસાકી અને રામ મોહન દ્વારા દિગ્દર્શિત, `રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ` આવતીકાલે એટલે કે ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભારતના સિનેમાઘરોમાં રિલિઝ થશે. એનિમેટેડ ફિલ્મ `રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ` હિન્દી, તેલુગુ, તમિલ અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થશે.

ramayan kumbh mela upcoming movie entertainment news bollywood bollywood news box office