૬ કરોડ રૂપિયાની મૅક્લૅરેન કાર લઈને ઉદયપુર પહોંચી માધુરી દી​ક્ષિત, માઉન્ટ આબુ સુધીની રૅલીમાં જોડાઈ

25 January, 2025 05:42 PM IST  |  Udaipur | Gujarati Mid-day Correspondent

માધુરી દીક્ષિત નેને ગઈ કાલે તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે તેની ૬ કરોડ રૂપિયાની બ્લુ રંગની સુપર કાર મૅક્લૅરેન 750S લઈને ઉદયપુર પહોંચી હતી અને ઉદયપુરની ગલીઓમાં ફરી હતી

ગઈ કાલે ઉદયપુરમાં પોતાની મૅક્લૅરેન કાર સાથે તથા આ બ્રૅન્ડની કારના અન્ય માલિકો સાથે માધુરી દી​ક્ષિત અને ડૉ. શ્રીરામ નેને.

માધુરી દીક્ષિત નેને ગઈ કાલે તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે તેની ૬ કરોડ રૂપિયાની બ્લુ રંગની સુપર કાર મૅક્લૅરેન 750S લઈને ઉદયપુર પહોંચી હતી અને ઉદયપુરની ગલીઓમાં ફરી હતી. તેણે પિછોલા લેક પણ જોયું હતું અને નેને દંપતીને આ શહેર પસંદ આવી ગયું હતું. માધુરીએ કહ્યું હતું કે ‘મને ઉદયપુર શહેર પસંદ છે. અહીં હાલ મોસમ સરસ છે, ઠંડીમાં ઉદયપુરના માહોલને જોઈને ખુશ છું. લેક સિટીના રસ્તા, ગલીઓ અને મહેલ મને ગમે છે.’

મૅક્લૅરેન ઑટોમોટિવ કંપનીએ ભારતમાં એની પચાસ કાર વેચાઈ એની ઉજવણી કરી હતી અને દેશભરમાંથી ૧૧ મૅક્લૅરેન કાર ઉદયપુરના સિટી પૅલેસના માણેક ચોક પર લાવવામાં આવી હતી. આ કારમાં મૅક્લૅરેન 720S, GT, આર્ટુરા, મૅક્લૅરેન 750S સ્પાઇડર વગેરેનો સમાવેશ છે. મૅક્લૅરેન 750S સ્પાઇડર કાર વિશ્વમાં માત્ર ૬૦ છે. આ કારની કિંમત પાંચથી બાર કરોડ રૂપિયાની વચ્ચે છે.

ઉદયપુરમાં ઉજવણી બાદ આ કારના માલિકો માઉન્ટ આબુની રાઉન્ડ ટ્રિપ પર રવાના થયા હતા જેને મેવાડના ભૂતપૂર્વ રાજવી પરિવારના મેમ્બર ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડે ફ્લૅગ-ઑફ કરી હતી. માધુરીની કાર ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડના પુત્ર હરિતરાજ સિંહને પસંદ આવી ગઈ હતી.

madhuri dixit udaipur entertainment news bollywood bollywood news travel