18 October, 2024 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધુર ભંડારકર
ગ્લૅમર-વર્લ્ડની વાસ્તવિક બાજુ દર્શાવવા માટે જાણીતા ડિરેક્ટર મધુર ભંડારકરે ‘વાઇવ્સ ઑફ બૉલીવુડ’ નામની ફિલ્મનું અનાઉન્સમેન્ટ કર્યું છે, જેમાં આ વખતે તેમનું ફોકસ સ્ટાર્સના બદલે સ્ટાર લોકોની પત્નીઓ પર રહેશે.
‘વાઇવ્સ ઑફ બૉલીવુડ’ વિશે મધુર ભંડારકરે જણાવ્યું હતું કે ‘બૉલીવુડ સ્ટાર્સની પત્નીઓના જીવન વિશે ઘણીબધી અટકળો ને ધારણાઓ છે. ફિલ્મનો ઉદ્દેશ એ છે કે વાસ્તવિક કિસ્સાઓ આધારિત અજાણી વાર્તાઓ મોટા પડદે લઈ જવી.’
નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર મધુર ભંડારકરે અગાઉ જર્નલિઝમની દુનિયામાં ડૂબકી મારતી ‘પેજ 3’, બૉલીવુડની અભિનેત્રીઓનું જીવન દર્શાવતી ‘હિરોઇન’ અને ફૅશન-વર્લ્ડની કાળી બાજુ બતાવતી ‘ફૅશન’ ફિલ્મ બનાવી હતી. ઉપરાંત તેમની ‘ચાંદની બાર’, ‘ટ્રાફિક સિગ્નલ’ અને ‘જેલ’ જેવી ફિલ્મો નોંધનીય રહી છે. રિપોર્ટ મુજબ ‘વાઇવ્સ ઑફ બૉલીવુડ’માં ભંડારકર બૉલીવુડ સ્ટાર્સની પત્નીઓનાં જીવન સાથે જોડાયેલાં અજાણ્યાં પાસાંઓ જેવાં કે સ્કૅન્ડલ્સ, ગૉસિપ, પાવર-સ્ટ્રગલ અને લક્ઝરી લાઇફ દર્શાવશે. આ ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જશે.