19 April, 2024 06:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘લવ સેક્સ ઔર ધૌખા 2’ એક બોલ્ડ ફિલ્મ છે જેમાં ડિજિટલ યુગમાં રિલેશનશિપમાં કેવી-કેવી સમસ્યાઓ આવે છે એ દેખાડવામાં આવ્યું છે. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને દિબાકર બૅનરજી દ્વારા ડિરેક્ટ અને એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ઓરિજિનલ ફિલ્મની રિલીઝનાં ૧૪ વર્ષ બાદ એની સીક્વલ આવી છે. સોસાયટી અને વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં પણ કેવા બદલાવ આવ્યા છે એ આ ફિલ્મમાં જોઈ શકાશે.
આ ફિલ્મમાં એકસાથે ઘણી સ્ટોરીલાઇન જોવા મળશે અને એ દરેક એકમેક સાથે કનેક્ટ પણ થશે. એક સ્ટોરીલાઇન એવી છે જેમાં રિયલિટી શો ચાલતો હોય છે અને એને અનુ મલિક જજ કરતો હોય છે. એક સ્ટોરીલાઇનમાં યુવાન છોકરાને સોશ્યલ મીડિયા પર વૅલિડેશન જોઈતું હોય છે એના પર છે. તે વ્યુઝ માટે તેની મમ્મી સાથેની દરેક વાતચીતને ઑનલાઇન પોસ્ટ કરતો હોય છે. આ સાથે જ આ ફિલ્મ દ્વારા કેટલાક ઇશ્યુ પર પણ વાત કરવામાં આવી છે જેમાંનો એક છે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી દ્વારા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટની ફરિયાદ કરવામાં આવે છે ત્યારે પોલીસ કેવી રીતનું વર્તન કરે છે.
આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર ઍક્ટર બોનિતા રાજપુરોહિત લીડમાં જોવા મળશે. આ પહેલી એવી ફિલ્મ છે જેમાં ટ્રાન્સજેન્ડર ઍક્ટર લીડમાં હોય. તેની સાથે અભિનવ સિંહ અને પરિતોષ સૅન્ડ અને સ્વસ્તિકા મુખરજી પણ જોવા મળશે. આ સાથે જ તુષાર કપૂર, મૌની રોય અને સોશ્યલ મીડિયાની કન્ટેન્ટ ક્રીએટર ઉર્ફી જાવેદ પણ નાનકડી ભૂમિકામાં દેખાશે.