28 April, 2023 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ કરેલી સ્પ્રાઇટની ઍડ તેના માટે મુસીબત બની ગઈ છે. એના બંગાળી વર્ઝનને લઈને કલકત્તા હાઈ કોર્ટના ઍડ્વોકેટ દિબ્યાન બૅનરજીએ નવાઝુદ્દીન અને કોકા કોલા ઇન્ડિયાના સીઈઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એનું હિન્દી વર્ઝન પણ રિલીઝ થયું છે. જોકે એને લઈને તેમને વાંધો નથી. એના બંગાળીમાં ડબ કરેલા વર્ઝનમાં કહેવામાં આવે છે કે ‘જો સીધી આંગળીએ ઘી ન નીકળે તો બંગાળી ભૂખ્યા ઊંઘી જશે.’ બસ, આ જ વાતે બંગાળીઓને નારાજ કર્યા છે. અપીલકર્તા દિબ્યાન બૅનરજીએ કહ્યું કે ‘કોકા કોલાની પ્રોડક્ટ સ્પ્રાઇટની મેઇન ઍડ્વર્ટાઇઝ હિન્દીમાં છે અને અમને એનાથી કોઈ વાંધો નથી. અમને માત્ર બંગાળીમાં ડબ કરેલી ઍડ્વર્ટાઇઝથી વાંધો છે જે હાલમાં અનેક ટીવી ચૅનલ્સ અને વેબસાઇટ પર દેખાડવામાં આવી રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકી એક જોક પર હસે છે જેમાં કહેવામાં આવે છે કે ‘જો સીધી આંગળીએ ઘી ન નીકળે તો બંગાળી ભૂખ્યા ઊંઘી જશે.’ અમને લાગે છે કે આ જ વસ્તુ બંગાળી સમાજની લાગણીને ઠેસ પહોંચાડે છે. હિન્દીની જે ઍડ્વર્ટાઇઝ છે એમાં કાંઈ પણ વાંધાજનક નથી. અમારી માગણી છે કે આવા પ્રકારની હલકી પ્રવૃત્તિ અને મજાકને ભવિષ્યમાં પ્રોત્સાહન ન આપવામાં આવે.’