29 May, 2022 07:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લતા મંગેશકરને જંગલ સફારીની ફોટોગ્રાફીનો શોખ હતો : સોનુ નિગમ
લતા મંગેશકરના જીવનની જાણી-અજાણી બાબતો પર પ્રકાશ પાડતો શો ‘નામ રહ જાએગા’માં સોનુ નિગમે જણાવ્યું કે ‘લતા મંગેશકરને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ જંગલ સફારી માટે ઊપડી જતાં અને ત્યાંની ફોટોગ્રાફી કરતાં હતાં. સ્ટાર પ્લસ પર દર રવિવારે સાંજે ૭ વાગ્યે આ શો દેખાડવામાં આવે છે. આ શોના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. લતા મંગેશકરના ફોટોગ્રાફીના શોખ વિશે સોનુ નિગમે કહ્યું કે ‘લતાજીને ફોટો ક્લિક કરવાનો શોખ હતો. તેમને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ જંગલ સફારીએ નીકળી જતાં અને ત્યાંના ફોટો ક્લિક કરતાં હતાં. વાસ્તવમાં તેમની પાસે ફોટોનો અઢળક ખજાનો છે. ટૂંક સમયમાં અમે એ ફોટોગ્રાફિક કલેક્શન પર બુક લૉન્ચ કરવાના છીએ.’
લતા મંગેશકરની અધૂરી ઇચ્છાને પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું છે તેમના પરિવારે
લતા મંગેશકરની એક ઇચ્છા હતી કે ભારતીય કલાકારો જે રિટાયર થઈ ચૂક્યા છે કે પછી બીમાર છે તેમને માટે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવે. તેમનું કહેવું હતું કે જીવનના અંતિમ સમયમાં કલાકારને કોઈ પ્રકારની રઝળપાટ કે તકલીફ ન થાય અને તેઓ છેલ્લા દિવસો શાંતિથી પસાર કરી શકે. જોકે ત્રણ મહિના અગાઉ ૬ ફેબ્રુઆરીએ થયેલા તેમના નિધનથી તેમની આ ઇચ્છા અધૂરી રહી ગઈ છે. તેમના આ સપનાને પૂર્ણ કરવાનું બીડું હવે તેમના પરિવારજનોએ ઉપાડ્યું છે. લતા મંગેશકરના આ સપનાને સાકાર કરવા માટે મહારાષ્ટ્ર સરકારે કદાચ થાણેમાં જમીન પણ ફાળવી હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જે કલાકારો જીવનના અંતિમ તબક્કામાં કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમના વિશે લતા મંગેશકરે કહ્યું હતું કે ‘ખૂબ જ આનંદ, નસીબદાર અને આરામદાયક બાબત એ છે કે વધતી ઉંમરે આપણી સાથે આપણો પરિવાર ઊભો હોય છે. જોકે એ લોકોનું શું જેઓ અંતિમ સમયે એકલા જીવન પસાર કરતા હોય? ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ કલાકારો જેઓ મૃત્યુ સમયે એકલા હોય છે તેમના વિશે જાણીને આઘાત લાગે છે. મેં સાંભળ્યું હતું કે લલિતા પવારજી અને અચલા સચદેવજી જેઓ કેટલાં મહાન કલાકાર હતાં, તેમની સાથે પણ કોઈ નહોતું. કેટલી શરમ અને દુ:ખની વાત છે.’