Lakshadweep vs Maldives : અમિતાભ બચ્ચન પણ કૂદી પડ્યા રેસમાં, મેગા સ્ટારે કરી ભારતની પ્રશંસા

08 January, 2024 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lakshadweep vs Maldives : બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું, `અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો`

અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર

લક્ષદ્વીપ (Lakshadweep) અને માલદીવ્ઝ (Maldives)માંથી કયો ટાપુ સૌથી સારો તેની ચર્ચાએ છેલ્લા કેટલાક દિવસથી જોર પકડ્યું છે. જેને કારણે સોશ્યલ મીડિયા પર પણ લક્ષદ્વીપ વર્સિસ માલદીવ્ઝ (Lakshadweep vs Maldives) ટ્રેન્ડ કરી રહ્યું છે. લક્ષદ્વીપ અને માલદીવ્ઝ વચ્ચે વિવાદનો મામલો ગરમાયો છે. ત્યારે ફિલ્મોથી લઈને ક્રિકેટ જગતના ઘણા સેલેબ્સે લક્ષદ્વીપ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું છે. આ યાદીમાં હવે બૉલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નું નામ પણ સામેલ થઈ ગયું છે.

બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે. તેઓ હંમેશા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. બ્લોગ રાઇટિંગથી લઈને ઈન્સ્ટાગ્રામ અને એક્સ સુધી, અમિતાભ બચ્ચન દરેક પ્લેટફોર્મ દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. હવે તેમણે લક્ષદ્વીપ વર્સિસ માલદીવ્ઝ (Lakshadweep vs Maldives)ના હોટ ટોપિક પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

અમિતાભ બચ્ચને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag)નું એક ટ્વિટ X પર શેર કર્યું છે. જેમાં તેણે ભારતના અનેક અલગ-અલગ બીચની તસવીરો શેર કરી છે અને માલદીવ્ઝના કટાક્ષને આપત્તિમાં એક અવસર ગણાવ્યો છે. ટ્વિટમાં વિરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે, ભારત સરકારે આ સમગ્ર મામલામાં બોધપાઠ લઈને પ્રવાસન ક્ષેત્રે થોડો સુધારો કરીને ભારતની અર્થવ્યવસ્થાને મોટો વેગ આપી શકે છે.

વીરેન્દ્ર સેહવાગે પોતાની પોસ્ટમાં કહ્યું, ‘ઉડુપીના સુંદર બીચ હોય, પોન્ડીમાં પેરેડાઈઝ બીચ હોય, આંદામાનના નીલ અને હેવલોક અને આપણા દેશભરના અન્ય ઘણા સુંદર બીચ હોય, ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જે અનએક્સપ્લોરડ્ છે. કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઘણું બધુ સુધારી શકાય છે, ઘણું બધું થઈ શકે છે.’

સેહવાગે આગળ ટ્વિટમાં લખ્યું છે કે, ‘ભારત જાણે છે કે તમામ આફતોને તકોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. માલદીવ્ઝના મંત્રીઓ દ્વારા આપણા દેશ અને આપણા વડાપ્રધાન પર કરવામાં આવેલ આ કટાક્ષ ભારત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રવાસીઓ માટે આકર્ષક બનાવવા અને અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે એક મોટી તક છે. કૃપા કરીને નામ આપો. તમારા મનપસંદ અનએક્સપ્લોર્ડ સુંદર સ્થળોને.’

વિરેન્દ્ર સેહવાગના આ ટ્વિટ સાથે અમિતાભ બચ્ચન સંમત થયા અને કહ્યું, ‘વીરુ પાજી... આ બહુ સાચી વાત છે અને આપણી જમીનના હકમાં છે. આપણા પોતાના જ સૌથી બેસ્ટ છે. હું લક્ષદ્વીપ અને આંદામાન ગયો છું અને તે અદ્ભુત છે, સુંદર જગ્યાઓ છે. બીચ અને અન્ડર વૉટરનો અનુભવ એકદમ જુદો છે. આપણે ભારત છીએ, આપણે આત્મનિર્ભર છીએ, આપણી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો. જય હિંદ.’

અમિતાભ બચ્ચનની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

નોંધનીય છે કે, બિગ બી પહેલા અજય દેવગન (Ajay Devgan), અક્ષય કુમાર (Akshay Kumar), સલમાન ખાન (Salman Khan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), જોન અબ્રાહમ (Jhon Abraham) સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ લક્ષદ્વીપ વર્સિસ માલદીવ્ઝ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.

lakshadweep maldives amitabh bachchan virender sehwag twitter social media social networking site entertainment news bollywood bollywood news bollywood gossips