02 May, 2023 03:33 PM IST | Mumbai | Gaurang Vyas
અનુપમ ખેર
અનુપમ ખેરનું માનવું છે કે આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ગ્રેટ ફિલ્મ નહોતી. તેમને આમિરની ‘PK’ ગમી હતી. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ગયા વર્ષે ૧૧ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. ફિલ્મને બૉયકૉટનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ફિલ્મને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ૨૦૧૫માં આમિરે આપેલા એક ઇન્ટરવ્યુને કારણે તેની ફિલ્મનો લોકોએ બહિષ્કાર કર્યો હતો. એમાં આમિરે કહ્યું હતું કે દેશમાં વધતી અસહિષ્ણુતાને કારણે તેની વાઇફ કિરણ રાવે તેને દેશ છોડીને જવાની સલાહ આપી છે. એ વાત સોશ્યલ મીડિયામાં ફરતી થતા લોકોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. હવે એ ફિલ્મને લઈને અનુપમ ખેરે કહ્યું કે ‘મને લાગે છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ ગ્રેટ ફિલ્મ નહોતી. જો એ ગ્રેટ ફિલ્મ હોત તો કોઈ તાકાત એને અટકાવી ન શકી હોત.
આમિર ખાનની ‘PK’ ખૂબ સારી ચાલી હતી. વસ્તુ એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે. હું બૉયકૉટ ટ્રેન્ડના પક્ષમાં જરા પણ નથી, પરંતુ કોઈ જે કરવા માગે છે એને કરતાં તમે અટકાવી ન શકો. જો તમારી ફિલ્મ સારી હોય તો એને દર્શકો મળી જશે. ખરું કહું તો લોકો બદલાની ભાવનાથી વધારે જશે. આ ટ્રેન્ડને ખતમ કરવાનો એક જ ઉપાય છે કે સારું કામ કરો.’