દેશી છોકરામાં વધારે રસ છે ક્રિતી સૅનનને

31 March, 2024 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દી ભાષા સમજતો હોય એવા છોકરામાં જ તેને ઇન્ટરેસ્ટ છે કારણ કે લાંબા સમય સુધી ઇંગ્લિશમાં વાત કરવું તેને પસંદ નથી

ક્રિતી સૅનન

ક્રિતી સૅનનનું કહેવું છે કે તેને દેશી છોકરા વધુ ગમે છે. તેની કરીના કપૂર ખાન અને તબુ સાથેની ‘ક્રૂ’ શુક્રવારે રિલીઝ થઈ છે. દેશી છોકરા પસંદ હોવા વિશે ક્રિતી કહે છે, ‘અત્યાર સુધી તો મને કોઈ વાઇટ પુરુષ સાથે પ્રેમ નથી થયો. રાયન ગોસ્લિંગ હૉટ છે, પરંતુ હું તેના પ્રેમમાં નથી પડી. હું આજ સુધી એવી એક પણ વ્યક્તિના પ્રેમમાં નથી પડી જે સંપૂર્ણ રીતે ભારતીય નહીં હોય. એવું કોઈ દિવસ નહીં બને એમ પણ નથી કહેતી, પરંતુ દેશી હોય એવી વ્યક્તિને ડેટ કરવાનું હું પસંદ કરીશ. એનું એક જ કારણ છે કે હું દેશી છું. મારો પાર્ટનર હિન્દી સમજી શકે એવો હોવો જોઈએ. એ હિન્દી ન બોલતો હોય તો ચાલે, પરંતુ સમજતો હોવો જોઈએ. મારા મોઢામાંથી તો હિન્દી ભાષા જ નીકળવાની છે. હું હંમેશાં ઇંગ્લિશમાં વાત નહીં કરી શકું. હું ઇંગ્લિશ ગીતો પર વધુ સમય સુધી ડાન્સ નહીં કરી શકું. હું હિન્દી અને પંજાબી સૉન્ગ જ વગાડીશ.’ 

‘ક્રૂ’નો પહેલા દિવસે ૧૦.૨૮ કરોડનો બિઝનેસ

કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનનની ‘ક્રૂ’એ પહેલા દિવસે ખૂબ સારો બિઝનેસ કર્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે ૧૦.૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે જે ધાર્યા કરતાં ઘણો સારો છે. આ વર્ષે રિલીઝ થયેલી હૃતિક રોશનની ‘ફાઇટર’એ પહેલા દિવસે ૨૪.૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ત્યાર બાદ અજય દેવગનની ‘શૈતાન’એ ૧૫.૨૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ બે ફિલ્મ બાદ ત્રણ મહિનામાં રિલીઝ થયેલી તમામ ફિલ્મો પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે ‘ક્રૂ’નો સમાવેશ થાય છે. ‘ક્રૂ’ની સાથે હૉલીવુડની ‘ગૉડઝિલા વર્સસ કૉન્ગ’ પણ રિલીઝ થઈ છે. ‘ક્રૂ’ને અન્ય ફિલ્મની ટક્કર મળી રહી હોવા છતાં એણે સારો બિઝનેસ કર્યો છે.

kriti sanon bollywood buzz bollywood gossips bollywood entertainment news