06 December, 2023 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરન જોહર
કરણ જોહરનું કહેવું છે કે તેનો રૅપિડ ફાયરને બંધ કરવાનો કોઈ ઇરાદો નથી. તેના શો ‘કૉફી વિથ કરણ’ દ્વારા તેણે રૅપિડ ફાયર ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. તેના આ સેગમેન્ટને કારણે ઘણી વાર સેલિબ્રિટીઝ વિવાદમાં પણ મુકાય છે. આ વિશે વાત કરતાં કરણ જોહરે કહ્યું કે ‘સોશ્યલ મીડિયાને કારણે આપણે હાલમાં ઘણા સેન્સિટિવ વાતાવરણમાં રહીએ છીએ. આજે એક જ સેકન્ડમાં વાતનો અનર્થ કરી નાખવામાં આવે છે. આજે કોઈ કંઈ કહે છે તો ઇન્ટરનેટ પર લોકો એ વિશે તેમનાં રીઍક્શન આપે છે. મારા શોમાં જે લોકો આવે છે તેમની જવાબદારી મારી છે, કારણ કે હું તેમને મારા શો પર ઇન્વાઇટ કરું છું. અમે રૅપિડ ફાયરના રિપ્લેસમેન્ટ વિશે પણ વિચાર્યું હતું. અમે દરેક સીઝનમાં આ રિપ્લેસમેન્ટ શોધીએ છીએ, પરંતુ એ શક્ય નથી બની રહ્યું. દુઃખની વાત એ છે કે પહેલી થોડી સીઝનની સરખામણીમાં લોકો અત્યારે રૅપિડ ફાયરને લઈને વધુ ડરે છે. દરેક વ્યક્તિ ચિંતામાં રહે છે અને રૅપિડ ફાયરની ભાષામાં બદલાવ કરવા કહે છે જેથી કન્ટ્રોવર્સી પણ ન થાય અને થોડા જવાબો પણ મળે. એક સમય હતો જ્યારે લોકો કોઈ પણ સવાલોના જવાબ આપતા હતા. આજે હું પોતે અમુક સવાલોના જવાબ નથી આપતો તો હું અન્ય પાસે એની આશા કેવી રીતે રાખી શકું? આજે અમે પણ ખૂબ જ વિચારીને સવાલ કરીએ છીએ. ફૅન્સ ક્લબ પણ હવે ગુસ્સે થઈ જાય છે અને અમે કોઈ પણ એવું નથી ઇચ્છતા.’